વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 10 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના સંક્રમણથી 2,34,000થી વધુ લોકો પીડિત છે અને મોતનો આંકડો 10 હજારની પાર કરી ગયો છે.
ઇટાલીમાં મૃતકોની સંખ્યા આશરે 3,405 પહોચી ગઇ છે, જે ચીનમાં થયેલી કુલ મોતથી 150થી વધુ છે. અમેરિકાના કેલીફોર્નિયામાં લોકોને ઘરે રહેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના વાયરસથી વિશ્વભરમાં 10,405 મોત થયા છે જ્યારે 89,055 રિકવર થઇ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં આ વાયરસથી 712થી વધુ લોકોના મોત થયા છે અને સંક્રમિત લોકોની સંખ્યા 90,293 છે. યુરોપમાં કોરોના વાયરસ કોવિડ-19 ઝડપથી ફેલાઇ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે કોરોના વાયરસની શરૂઆત ડિસેમ્બર 2019માં ચીનમાં થઇ હતી.
ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસથી ચાર લોકોના મોત થયા છે. ચીનમાં સંક્રમણથી મોતનો આંકડો 3200થી વધુ છે. મહત્વપૂર્ણ છે કે ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરથી કોરોનાની શરૂઆત થઇ હતી. 1.15 કરોડની વસ્તી ધરાવતા વુહાન એક પરિવહન કેન્દ્ર છે. કોરોના વાયરસના સંક્રમણથી તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, નાક વહેવુ અને ગળામાં ખરાશ જેવી સમસ્યા ઉભી થાય છે.