નિર્ભયાના 4 આરોપીઓને કાલે વહેલી સવારે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો છે અને છેલ્લે નિર્ભયાને ન્યાય મળ્યો છે. પણ આ કેસમાં એક અપરાધી હજુ પણ જીવીત છે. નિર્ભયા કેસ બન્યો ત્યારે તે સગીર વયનો હોવાથી બચી ગયો હતો અને ત્રણ વર્ષની જેલ સજા પૂરી કરીને છુટી ગયો હતો. હાલ આ અપરાધી ક્યાં છે અને શું કરે છે તેનો કોઇને જ ખ્યાલ નથી. કાયદા પ્રમાણે સગીર વયનો હોવાથી તેનું નામ અને તસ્વીર પણ જાહેર નથી કરી શકાઇ તેથી આ અપરાધીની તસ્વીર પણ કોઇએ નથી જોઇ.
આ કેસમાં કુલ છ આરોપીઓ હતા જેમાંથી એક રામસિંઘે 2013માં જેલની અંદર જ પોતાને ફાંસીએ લટકાવી દીધો હતો. જ્યારે છઠ્ઠો દોષીત હજુ જીવીત છે અને તે જુવેનાઇલ કોર્ટ દ્વારા થયેલી સજા પુરી કરીને હાલ દેશના કોઇ ખુણામાં જીવી રહ્યો છે. 2016માં તે જેલથી છુટ્યો હતો, તે બાદ દક્ષિણ ભારતમાં તે જતો રહ્યો અને કુકનું કામ કરી રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હાલ આ અપરાધી પોતાનું નામ બદલીને રહી રહ્યો છે, ભોજન બનાવવાનું કામ તેણે દિલ્હીમાં હતો ત્યારે જ શીખી લીધુ હતું.
જે બસમાં રેપ થયો તેના ડ્રાઇવર પાસે આ શખ્સ 8000 રૂપિયા માગી રહ્યો હતો તે લેવા માટે જ 16 ડિસેમ્બર 2012ના રોજ તે બસ ડ્રાઇવર પાસે ગયો હતો. જે દરમિયાન તે પણ અપરાધમાં સામેલ થઇ ગયો હતો અને તેણે પણ બળાત્કાર ગુજાર્યો હતો સાથે જ નિર્ભયાને અનેક યાતનાઓ પણ આપી હતી જેને પગલે તેનું મોત થયું હતું.