પોતાની સિનિયોરિટીની માગણી સાથે માસ સીએલ પર જવા સાથે વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલા જ રાજ્યના પ્રાઇમરી શિક્ષકોના આગેવાનોને પોલીસે સવારે પાંચ વાગે જ ઝડપી લીધા છે. જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકારના આદેશને પગલે શિક્ષકોને એકત્રિત કરવાનું બીડું ઝડપનારા આગેવાનોના ઘરે પોલીસ ત્રાટકી હતી અને તેમને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં ગાંધીનગર પહોંચેલા કેટલાક શિક્ષકોને પણ પોલીસે અટકાયતમાં લઈ લીધા છે. વિધાનસભા તરફ ધસી રહેલા શિક્ષકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે
શિક્ષકોના વિધાનસભા ઘેરાવની ચીમકી મુદ્દે સરકાર દ્વારા સાવચેતીના ભાગ રૂપે આશરે બે હજારથી વધુ શિક્ષકોની અટકાયત કરી લીધી હતી. આજે ગાંધીનગર વિધાનસભાને પોલીસે ચારો તરફથી કિલ્લા બંધી કરી લીધી હતી. ગાંધીનગર આવતા તમામ રોડ અને સર્કલ ઉપર બેરીકેડ સાથે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસે લાઠીચાર્જ કરતાં ભાગદોડ મચી ગઈ હતી. નારાજ શિક્ષકોને મળવા માટે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડા આંદોલનકારી શિક્ષકોને મળવા પહોંચ્યા હતા.
૧૯૯૭થી સળંગ સિનિયોરિટી બાબતે પ્રાથમિક શિક્ષકોની માગણીનો ઉકેલ ન આવતા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ તમામ પ્રાથમિક શિક્ષકો શુક્રવારે માસ સીએલ પર જશે. આટલું જ નહીં, રાજ્યના ૧૦ હજાર જેટલા શિક્ષકો ગાંધીનગર ખાતે એકત્ર થશે અને વિધાનસભાનો ઘેરાવ કરશે. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષક સંઘના અગ્રણીઓને મંત્રણા માટે બોલાવ્યા હતા. પરંતુ તેમાં યોગ્ય નિરાકરણ ન આવતા શિક્ષક સંઘ દ્વારા શુક્રવારનો કાર્યક્રમ યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.