હાલના દિવસોમાં સમગ્ર દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટને લઈને હાહાકાર મચી ગયો છે. નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે પ્રમાણે દંડની રકમ વધારવામાં આવી રહી છે, તેને લઈને અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. જેને પગલે અમુક રાજ્યોએ તો દંડની રકમ ઘટાડવાની ફરજ પડી છે. આ બધા વચ્ચે ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા ઝાકીર મેમન નામનો શખ્સ રોડ પર હેલ્મેટ વિના ફરે છે અને જ્યારે પોલીસ પણ એનો મેમો ફાડવાની પ્રક્રિયા હાથ ધરે છે, ત્યારે તેની સમસ્યા સાંભળીને મૂંઝવણમાં મૂકાય છે.
મોટુ માથુ હોવાના કારણે મેમન નથી પહેરી શકતો હેલ્મેટ
હકીકતમાં ઝાકીર મેમન સાથે એક મોટી સમસ્યા છે. જેના કારણે તેઓ હેલમેટ નથી પહેરી શકતા. આજ કારણે તેમણે હેલ્મેટ વિના રોડ પર નીકળવાની ફરજ પડે છે. ઝાકીરના હેલ્મેટ ના પહેરવા પાછળની મજબૂરી છે તેમનું માથુ. ઝાકીરનું માથુ એટલુ મોટું છે કે, તે હેલ્મેટ નથી પહેરી શકતો. આજ કારણે પોલીસ પણ મુંઝવણમાં મૂકાય છે કે, આ માણસનો મેમો ફાડવો કે કેમ?
પોલીસે જાતે દુકાનો પર લઈ જઈને કર્યા હેલ્મેટ ટેસ્ટ
પોલીસે હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ સોમવારે જાકિર મેમનને પકડ્યો હતો. તેની પાસે વાહન સબંધી તમામ દસ્તાવેજો હતા, પરંતુ તેણે હેલ્મેટ નહતું પહેર્યું. પોલીસે તેને દંડ ભરવા જણાવ્યું, પરંતુ જ્યારે ઝાકીર પોતાની સમસ્યા સમજાવી, તો પોલીસની મુંઝવણ પણ વધી ગઈ હતી. ઝાકીર જણાવ્યું કે, તે કોઈ પણ હેલ્મેટ પહેરી નથી શકતો. કારણ કે તેના માથામાં એક પણ હેલ્મેટ ફિટ નથી બેસતું.