31મી ઓક્ટોબરે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જયંતિ છે અને આ વખતે જયંતિ ખાસ બની જવાની છે. હકીકતે આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રને અર્પણ કરવાના છે. આ વિશ્વની સૌથી ઊંચી ગગનચૂંબી પ્રતિમા છે. આજે વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં પણ આ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સરદાર પટેલ જમીન સાથે સંકળાયેલા હતા હવે તેઓ આકાશની પણ શોભા વધારશે.
આ દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ છે. મૂર્તિની સામે ચીનની સ્પ્રીંગ બુદ્વની 120 મીટરની મૂર્તિ અને અમેરિકાનું 90 મીટર ઊંચું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નાનું લાગે છે. સરદાર પટેલની મૂર્તિની ઊંચાઈ છે 182 મીટર છે. આના માટે ભારત અને ચીનનાં મજૂરોએ મળીને કામ કર્યું છે.
માનવામાં આવે છે કે મૂર્તિને જોવા માટે દેશ અને વિદેશમાંથી અનેક લોકો આવશે, જેથી કરીને આજુબાજુના વિસ્તારને ટૂરિસ્ટ પોઈન્ટ બનાવી દેવામાં આવ્યો છે. મૂર્તિથી ત્રણ કિમીના અંતરે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે. જ્યાં રાત્રિ રોકાણ કરી શકાશે.
5700 મેટ્રીક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18500 મેટ્રીક ટન રેઈન્ફોર્સમેન્ટ બાર્સથી બનેલી આ મૂર્તિમાં લેઝર લાઈટીંગ પણ કરાય છે. જે મૂર્તિની રોનકને હંમેશ વધારતી રહેશે, આ સાથે એક મ્યૂઝિયમ પણ બનાવાયું છે. મૂર્તિમાં બે લિફ્ટ છે. જે મૂર્તિની છાતી સુધી જશે, જ્યાંથી ગેલરી અને આસપાસનો નજારો નિહાળી શકશો.
ગેલેરીમાંથી સરદાર સરોવર બંધનો નજારો જોઈ શકાશે, મૂર્તિ સુધી બોટ મારફત પહોંચી શકાશે. જોકે, આના દિદાર માટે 300 રૂપિયા ચૂકવવાના રહેશે, એવું સૂત્રોએ જણાવ્યું છે. મૂર્તિના નિર્માણ માટે મોદી સરકારે ઓક્ટોબર 2014માં મેલાર્સન એન્ડ ટૂબ્રો કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. મૂર્તિ પાછળ 3200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સરદાર પટેલની આ મૂર્તિમાં 4 ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષો સુધી કાટ લાગશે નહીં. સ્ટેચ્યુમાં 80 ટકા તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.