ઉત્તર પ્રદેશના બિજનોર શહેરમાં છેલ્લા 5 દિવસમાં 3 લોકોની હત્યા થતાં ચકચાર મચી જવા પામ્યો છે. આ 3 હત્યા એક જ વ્યક્તિએ કરી હતી, પરંતુ આ માણસ બદમાશ નહીં, પરંતુ એવો માણસ હતો કે જેણે અગાઉ કોઈ ક્રાઈમ નથી કર્યો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીનું નામ અશ્વિની કુમાર છે. જેને લોકો તેની TikTok વીડિયોમાં જોની દાદા તરીકે ઓળખતા હતા.
અશ્વિની કુમારનો વિલન બનવાનો શોખ હતો. તે TikTok પર વિલન વાળા વીડિયો બનાવતો હતો. આ સિવાય તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર અનેક પોસ્ટ લખી છે. જેમાં ‘હું વિનાશ કરી નાંખીશ’, ‘શેતાન હવે તૈયાર છે’, ‘મારી તબાહી જુઓ’ જેવી ઘણી પોસ્ટ્સ સામેલ છે.
કોઇ ગુનાહિત ઇતિહાસ નથી
ભલે TikTok અને Facebook પેજ પર અશ્વિની હિંસક વ્યક્તિ હોય તેવું લાગે છે, પરંતુ તેણે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. તેણે અચાનક જ ભાજપના સ્થાનિક નેતાના 25 વર્ષીય પુત્ર અને 26 વર્ષીય ભત્રીજાને ગોળી મારી દીધી. બંનેની હત્યા કર્યા બાદ તે ત્યાંથી બજારમાં પિસ્તોલ લહેરાવતો હતો. આ ઘટના 27 સપ્ટેમ્બરની હતી.
જો કે અશ્વિની સોમવારે 30 સપ્ટેમ્બરના રોજ બે હત્યા કર્યા બાદ ફરીથી સામે આવ્યો હતો. તે દુબઈની એક હોટલમાં કામ કરતી 27 વર્ષીય નિકિતાના ઘરે ઘૂસીને તેને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
દુબઇથી નિકિતા પોતાના લગ્ન માટે બિજનોર આવી હતી. જો કે ગોળી વાગતા નિકિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેના પછી એક દિવસ બાદ તેનું મોત નીપજ્યું હતું. તેના લગ્ન 2 ડિસેમ્બરે સીઆઈએસએફના સબ-ઇન્સ્પેક્ટર સાથે થવાના હતા.
પ્રેમમાં નિષ્ફળતાનો બદલો ?
નિકિતાના પરિવારજનોનું કહેવું છે કે, અશ્વિની નિકિતાને પસંદ કરતો હતો. જો કે નિકિતાએ તેને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જે બાદ નિકિતા દુબઈ શિફ્ટ થઈ ગઈ અને ત્યાં જ કામ કરવા લાગી હતી. જે બાદ દરેક લોકો આ ઘટનાને ભૂલી ગયા હતા.
પોલીસે જણાવ્યું કે, અશ્વિની નિકિતાના લગ્નને લઈને નારાજ હોઈ શકે છે અને ગુસ્સામાં તેણે બદલો લેવાનો નિર્ણય કર્યો હોઈ શકે છે. જોકે, પોલીસે હજી સુધી જણાવ્યું નથી કે, થોડા દિવસો અગાઉ બનેલી બંને હત્યા પાછળનું શું કારણ હતું?