નિર્ભયાનાં દોષી પવન કુમારને ફાંસીનાં ત્રણ દિવસ પહેલા એટલે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને મૃત્યુ સજાને આજીવન કેદની સજામાં ફેરવવામાં આવે તેવી માંગ કરી હતી, પવનની આ અરજીની આજે સુનાવણી થવાની છે, તો વળી ચારેય દોષિતોની મનોદશા અને શારીરિક સ્થિતિને જાણવા માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) નાં નિર્દેશ આફવાની માંગને લઇને શનિવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર પણ આજે સુનાવણી થવાની છે.
આપને જણાવી દઈએ કે, નિર્ભયા સામૂહિક દુષ્કર્મનાં ચારેય આરોપીઓને 3 માર્ચે સવારે 6 વાગ્યે મૃત્યુ થાય નહી ત્યા સુધી ફાંસી પર લટકાવી રાખવા માટે પટિયાલા કોર્ટ દ્વારા ડેથ વોરંટ જારી કરાયું છે. દોષિત પવનકુમાર ગુપ્તાની અરજી પર ન્યાયમૂર્તિ એન.વી. રમણાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચ સુનાવણી કરશે. પવને તેની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરી છે.
પવનનાં વકીલ એ.પી.સિંહે કહ્યું હતું કે, તેમના ક્લાયન્ટે સુધારાત્મક અરજી કરી છે અને કહ્યું છે કે તેને મૃત્યુ દંડ ન આપવો જોઇએ. પવન એ ચાર આરોપીઓમાં એકમાત્ર છે જેણે સુધારાત્મક અરજી દાખલ કરવાનો વિકલ્પનો ઉપયોગ કર્યો ન હતો અને ત્યારબાદ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરવાનો વિકલ્પનો ઉપયોગ કર્યો નહોતો.