ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘુસીને કરેલી એર સ્ટ્રાઇક બાદ વૈશ્વિક ફલક પર પાકિસ્તાન એકલુંઅટૂલું પડી ગયું છે. દુનિયાના ટોચના દેશો અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ચીન સહિતના દેશોએ ભારતની આતંકવાદ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીને સમર્થન આપ્યું છે. જ્યારે કે પાકિસ્તાનને તેમની ધરતી પર ધમધમતા આતંકના અડ્ડાઓ અને આતંકના આકાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ચેતવણી આપી છે.
પુલવામાના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘુસીને કરેલી એર સ્ટ્રાઇકને દુનિયાના તમામ ટોચના દેશોએ સમર્થન આપ્યું છે. સાથે જ તેઓએ આતંકવાદને પનાહ આપવા મુદ્દે પાકિસ્તાનની ઝાટકણી કાઢતા વૈશ્વિક ફલક પર પાકિસ્તાન એકલુંઅટૂલું પડ્યું છે.
અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ જણાવ્યું કે ભારતે આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત 26 ફેબ્રુઆરીએ જે કાર્યવાહી કરી છે તેના પછી મેં ભારતીય વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ સાથે વાત કરી. ભારત સાથે અમારા નજીકના સંરક્ષણ સંબંધો છે. અમે બંને દેશો વચ્ચે શાંતિ જળવાઇ રહે તેમ ઇચ્છીએ છીએ. મેં પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશી સાથે પણ વાત કરી છે. પાકિસ્તાન પોતાની ધરતી પરથી આતંકવાદ ફેલાવી રહેલા આતંકી સંગઠનો વિરૂદ્ધ કડક પગલાં ભરે.
પાકિસ્તાનને હંમેશા છાવરતા રહેતા ચીને પણ પાકિસ્તાનને ફટકાર લગાવી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંનેએ પરસ્પરના સંબંધો મજબૂત બને તેના પર ભાર મુકવો જોઇએ. બંને વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે જરૂરી છે. અમને આશા છે કે બંને દેશો તણાવ આગળ નહીં વધારે. પાકિસ્તાન આતંકવાદી અડ્ડાઓ પર કાર્યવાહી કરે અને રાજકીય લાભ ખાટવા આતંવાદ બંધ કરે.
ઓસ્ટ્રેલિયાએ પણ જૈશ અને લશ્કર-એ-તૌયબા જેવા સંગઠનો પર રોક લગાવવાની માંગણી કરી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન મેરીસ પેને કહ્યું કે, પુલવામાના આતંકી હુમલાના વિરોધમાં ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર હુમલો કર્યો છે. પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો વિરૂદ્ધ શક્ય તમામ પગલાંઓ ભરવા જોઇએ. તેમજ પાકિસ્તાન આંતકી સંગઠનોને કાનૂની રક્ષણ આપવાનું બંધ કરે અને તેમને પોતાની ધરતીનો ઉપયોગ ન કરવા દે.
તો ફ્રાન્સના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આતંકવાદની વિરૂદ્ધની લડાઇમાં ફ્રાન્સ ભારતની સાથે ઉભું છે. પછી તે લડાઇ ગમે તે સ્વરૂપમાં હોય. આતંકવાદીઓ પર કાર્યવાહી થવી જોઇએ અને તેનો આર્થિક સહયોગ કરનારા લોકોના મૂળ જ કાપી નાંખવા જોઇએ. સરહદ પાર આતંકવાદનો સામનો કરવા માટે ભારતે જે કાર્યવાહી કરી છે તે તેનો અધિકાર છે.
બીજી તરફ યુનાઇટેડ નેશન્સના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં બન્ને દેશોએ સંયમ રાખવો જોઈએ. યુએન સમગ્ર પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યું છે. બન્ને દેશ સાથે મળીને તુરંત હકારાત્મક પગલા ભરે. જો બંને દેશ રાજી થશે તો યુએન મધ્યસ્થી કરવા તૈયાર છે.