કેન્દ્ર સરકારની ખેડૂત, વ્યાપારીઓ, મજૂરો, યુવાઓ, કેન્દ્રીય કર્મચારીઓ સંબંધી વિવિધ નીતિઓને લઇને લોકોમાં રોષ વધી રહ્યો છે. આ પરિસિૃથતિ વચ્ચે કેન્દ્ર સરકારથી નારાજ દેશભરના ખેડૂતો, વ્યાપારીઓ, યુવાઓ, મજૂરો, કેન્દ્રીય કર્મચારીઓ, બેંકોના કર્મચારીઓના 200થી વધુ મોટા સંગઠનોએ ભારત બંધની જાહેરાત કરી છે અને તેમાં બેંકોના કર્મચારીઓ પણ જોડાઇ ગયા છે જેને પગલે દેશભરની મોટા ભાગની બેંકો બંધ રહેશે. સાથે જ અન્ય નાણાકીય વ્યવહારો, વ્યાપાર અને શાકભાજી જેવી ખાધ્ય વસ્તુઓ પર અસર પહોંચી શકે છે કેમ કે આ હડતાળમાં 175થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે જેમણે પણ આઠમીએ ગ્રામીણ ભારત બંધનું પણ એલાન કર્યું છે.
હડતાળમાં કોણ કોણ જોડાયું ?
રાષ્ટ્રીય સ્તરના ટ્રેડ યુનિયન આઇએનટીયુસી, આઇટીયુસી, એચએમએસ, સીટુ, આઇઉટુક, ટીયુસીસી, એસઇડબ્યૂએ, એઆઇસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી સહિત અનેક વ્યાપારી અને મજૂર, ખેડૂતોના 175થી વધુ સંગઠનો, કેન્દ્રીય કર્મચારીઓ આઠમી તારીખે ભારત બંધ પાળી હડતાળ પર ઉતરશે.
સરકાર રક્ષણ કરવામાં નિષ્ફળ
ટ્રેડ યુનિયન, બેંકના કર્મચારીઓ, ખેડૂતો અને અન્ય સંગઠનો દ્વારા એક સંયૂક્ત નિવેદન જારી કરીને જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર દેશના મજૂરો, કામદારો, કર્મચારીઓ, આમ નાગરિકો, ગરીબો, ખેડૂતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે આ ઉપરાંત એવી નીતિઓ લાવી છે કે જે આ દેશના મજૂરો, કર્મચારીઓને વધુ નુકસાન કરી રહી છે. દેશભરમાંથી 100થી વધુ નાની મોટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, ખેડૂત સંગઠનોની સાથે કેન્દ્રીય કર્મચારીઓ, રાષ્ટ્રીય સ્તરની બેંકો, આરબીઆઇ સહિતની બેંકો પણ આ બંધમાં જોડાશે.