ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડીયા(TRAI) દ્વારા 29મી ડિસેમ્બરથી ચેનલ અને બ્રોડકાસ્ટરો માટે નવા ટેરીફ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ભારે વિવાદ અને નિયમોમાં અસ્પષ્ટતા હોવાના કારણે અચોક્કસ મુદ્ત માટે નવા નિયમો સ્થગિત કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. નિયમો બાબતે ચેનલો, બ્રોડકાસ્ટરો અને ગ્રાહકોમાં ભારે અસંમજસ અને ગૂંચવાડો સર્જાતા ટ્રાઈ દ્વારા સ્થગનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રાઈ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું અમલીકરણ કરવામાં આવી રહ્યું હતું અને આ આદેશ પ્રમાણે દરેક ટેનલ પ્રમાણે હવે દર્શકોએ રૂપિયા ચૂકવવાની સ્થિતિ ઉભી થઈ હતી. મનગમતી ચેનલને જોવા માટે ખિસ્સા હળવા કરવા મોદી સરકારે આવો કિમિયો શોધી કાઢયો હોવાનો સૂર લોકો વ્યક્ત કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો તો તેનું અમલીકરણ ટ્રાઈએ કર્યું હતું અને ચેનલને ભાવ નક્કી કરવાનું સોંપી દીધું હતું, જેની સામે ભારે હોબાળો થયો હતો. ટ્રાઈએ સિંગલ ચેનલનાં ભાવ 19 રૂપિયા કરી દીધા હતા. કોઈ પણ સિંગલ ચેનલમાં માત્ર સ્ટાર ટીવી જોવાની હોય તો તેને અલગથી રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોઈ ચેનલનાં ભાવ 2 રૂપિયા, તો કોઈના ભાવ 10 રૂપિયા આપવા ગ્રાહકોને મજબૂર કરી દેવાની નીતિ અપનાવાઈ હતી.
ચેનલવાળા પોતાની રીતે ભાવ લઈ રહ્યા હતા. ખાસ કરીને સ્ટાર, સોની અને ઝી જેવી ચેનલોના ભાવનું પેકેજ લેવા માટે ગ્રાહકોને રીતસર લૂંટવાનો ધંધો કરવામાં આવ્યો હતો. જો સોની ટીવીનું પેકેજ લેવું હોય તો 130 રૂપિયા અને જીએસટી સાથે 155 રૂપિયા ચૂકવવા પડે અને ત્યાર બાદ જો સ્ટાર કે ઝી ટીવીનું પેકેજ લેવાનું હોય તો એના માટે ચેનલ દીઠ અલગથી રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો હતો.
અગાઉ 250થી 300 રૂપિયામાં એક સામટી 300 ચેનલો જોવા મળતી હતી પરંતુ નવા નિયમના કારણે 250 કે 300 રૂપિયામાં બધી જ ચેનલો નહીં પણ મેઈન મેઈન ચેનલો જ જોઈ શકવાની નોબત આવી હતી. ટ્રાઈએ નવા નિયમોને લાગુ કરવાનું સ્થગિત કરતા ગ્રાહકો સહિત તમામને હાલ પુરતી રીતે રાહત મળી હોવાનું કહી શકાય તેમ છે.