લોકરક્ષક ભરતીના પેપર લીક થવાથી લોકરક્ષકની પરીક્ષા રદ થઈ હતી તેથી પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રથી પરત ફરવુ પડ્યુ હતુ. આ પરીક્ષાના પેપર લીક કરનાર બે આરોપીઓ હવે GPSCની પરીક્ષા આપવાના છે. આજે રવિવારના દિવસે લેવાનાર GPSCની પરીક્ષા આપવા માટે કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજે બપોરે 3 વાગ્યે GPSCની પરીક્ષા યોજાશે. ત્યારે લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં સંકળાયેલા બે આરોપીઓ આજે GPSCની પરીક્ષા આપવાના છે. કોર્ટે બંન્ને આરોપી રાજેન્દ્રસિંહ વાધેલા અને ઉત્તમસિંહ ભાટીને પોલીસ જાપ્તા હેઠળ પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવાના અને ત્યાંથી પરત સેન્ટ્રલ જેલમાં લઈ આવવા માટેના નિર્દેશ આપ્યા છે.
લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં પોલીસે અત્યાર સુધી 13 જેટલા આરોપીઓને ઝડપ્યા છે. આમાંથી મોટાભાગના આરોપીઓ પરીક્ષાર્થીઓ છે. હકીકત છે કે એક પણ મોટા માથાને પોલીસ હજી સુધી પકડી શકી નથી.