મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં માનવતાને શરમસાર કરે તેવી ઘટના સામે આવી છે. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં પાંચ વર્ષની માસૂમનું અપહરણ કરી દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ કરૂણ ઘટના લાલપુલ-ભૂખીમાતા રડ કિનારે બનેલી ઇંટોની ભઠ્ઠી પર કામ કરતાં મજૂર દંપતીની દિકરી સાથે ઘટી છે.

માસૂમના પિતાએ જણાવ્યું કે ગુરુવારે રાતે બાળકી તેની પાસે સૂતી હતી. રાતે આશરે 2 વાગ્યે જ્યારે આંખ ખુલી તો બાળકી ગાયબ હતી. જે બાદ પરિવારના તમામ સભ્યો બાળકીને શોધવા લાગ્યાં. આખી રાત તલાશ કર્યા બાદ પણ બાળકી ન મળી તો તેમણે સવારે પોલીસને આ અંગે જાણ કરી. પોલીસે અજ્ઞાત આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી જે બાદ શુક્રવારે બપોરે બાળકીનો શબ લાલપુલ પાસે શિપ્રા નદીમાં મળી આવ્યો.

જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બાળકીના શરીર પર કપડા ન હતાં અને માથાના ભાગે ગંભીર ઇજાના ચાર નિશાન હતા. પોલીસે સાંજે શબનું પોસ્ટમોર્ટમ કરાવ્યું.
પોસ્ટમોર્ટમનો રિપોર્ટ હજુ નથી આવ્યો પરંતુ ડોક્ટરોએ બાળકી સાથે રેપ થયાની વાત કરી છે. પોલીસ ઇંટની ભઠ્ઠી પર કામ કરતાં લોકોની પૂછપરછ કરી રહી છે.

પોલીસને જ્યાંથી બાળકીનો મૃતદેહ મળ્યો છે ત્યાં લોહીથી લથપથ ઇંટ પણ મળી આવી છે. આશંકા છે કે ઇંટથી બદમાશે બાળકીના માથા પર હુમલો કર્યો હતો. પોલીસનું માનવું છે કે આ ઘટનાને અંજામ આપનાર નિશ્વિત રૂપે કોઇ જાણીતું છે. બાળકી તેને જાણતી હતી તેથી તેની હત્યા કરી નાંખી.