યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૧૮નું પરિણામ જાહેર થયું છે, જેમાં કનિષ્ક કટારિયાએ ટોપ કર્યું છે. આ પરીક્ષામાં કુલ ૭૫૯ પરીક્ષાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા છે.
મહારાષ્ટ્રની શ્રુતિ જયંત દેશમુખ મહિલાઓમાં ટોપર બની રહી છે જ્યારે સમગ્ર રિઝલ્ટમાં તેનો પાંચમો ક્રમાંક રહ્યો છે. છત્તીસગઢના નકસલવાદી પ્રભાવિત વિસ્તાર દંતેવાડામાં રહેતી નમ્રતા જૈનને ૧૨મો રેન્ક મળ્યો છે. જનરલ કેટેગરીના ૩૬૧, ઓબીસી ૨૦૯, એસસી ૧૨૮ અને એસટી કેટેગરીના ૬૧ વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યાં છે.
કટારિયા પોતે એસસી કેટેગરીમાં આવે છે અને ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે મેથ્સ લીધું હતું. કટારિયા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં બીટેક થયેલો છે. દેશમુખ ભોપાલની રાજીવ ગાંધી પ્રાદ્યોગિકી વિશ્વવિદ્યાલયમાંથી બીઈ કેમિકલ એન્જિનિયરિંગ ભણેલી છે. ટોપના ૨૫માં ૧૫ વિદ્યાર્થીઓ અને ૧૦ વિદ્યાર્થિનીઓનો છે. પાસ થનારામાં ૫૭૭ પુરુષો જ્યારે ૧૮૨ મહિલાઓ છે. સિવિલ એક્ઝામ ગયા વર્ષે જૂન મહિનામાં લેવામાં આવી હતી અને પાંચ લાખ વિદ્યાર્થીઓએ તે આપી હતી.