કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને ભયભીત કરી નાખ્યું છે. વિક્સિત દેશોથી લઈને વિકાસશીલ સહિત દરેક દેશો જીવલેણ વાઈરસનો શિકાર બન્યા છે. અહીં સુધી કે અમેરિકા જેવા આર્થિક મોરચે મજબૂત દેશમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. પોતાના દેશ માટે પહેલા જ જંગી આર્થિક પેકેજની જાહેરાત કરી ચૂકેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિશ્વના અન્ય દેશો માટે મદદનો હાથ લંબાવ્યો છે. કોરોના વાઈરસ સામેની જંગ જીતવા માટે અમેરિકાએ હવે ભારતને 29 લાખ ડોલર એટલે કે 21 કરોડ 77 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.
ખાસ વાત છે કે, અમેરિકાએ ભારત ઉપરાંત 64 અન્ય દેશોને 13 અરબ રૂપિયાની મદદ આપવાનું એલાન કર્યું છે. આ એવા દેશો છે, જ્યાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકા તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ રકમ ભારતને લૈબ સહિતની અન્ય મેડિકલ સુવિધાઓ સુધારવા માટે આપવામાં આવી છે. ભારત ઉપરાંત શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને પણ આર્થિક મદદ પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે અમેરિકન અધિકારી બૉની ગ્લિકે જણાવ્યું કે, દાયકાઓ સુધી અમેરિકા જાહેર સ્વાસ્થ્યમાં દ્વિપક્ષીય સહાયતા કરવામાં વિશ્વનો સૌથી મોટો દેશ રહ્યો છે. અમેરિકાએ જીવ બચાવ્યા છે. આવા લોકોની રક્ષા કરી છે, જે આ બીમારીનો શિકાર બન્યા છે.