ઉત્તરાખંડના ભાજપના અધ્યક્ષ બંસીધર ભગતે પોતાને કોરોના થયો હોવાની જાહેરાત તેમના ટ્વિટર હેન્ડલથી કરી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, ગઈકાલે મેં કોરોના વાયરસનું પરીક્ષણ કરાવ્યું હતું જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું તમામ પદાધિકારીઓ, તેમજ પક્ષના કાર્યકરોને અપીલ કરું છું કે, ગત સપ્તાહે જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ કૃપા કરીને તેમનો ટેસ્ટ કરાવી લે. તમારા સૌના આર્શીવાદથી વહેલી તકે હું તમારી વચ્ચે પરત ફરીશ.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના ભાજપ અધ્યક્ષ બંસીધર ભગતે થોડા દિવસ અગાઉ મોદી લહેરનો અંત આવી ગયો હોવાનું નિવેદન કરતા રાજકીય ઘમાસાણ મચ્યું હતું. બંસીધર ભગતે ઉત્તરાખંડમાં આગામી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભાજપના ધારાસભ્યોને જણાવ્યું હતું કે, મોદી લહેર હવે સમાપ્ત થઈ ગઈ છે. ધારાસભ્યોએ મોદી વેવ પર નિર્ભર રહેવું નહીં તેમણે મહેનત કરવી પડશે. લોકો વચ્ચે જઈ કામ કરવા પડશે અને કામને આધારે ટિકિટ ફાળવણીનો નિર્ણય લેવાશે.