કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની રસીની બોલબાલા વધી ચુકી છે. ભારતમાં એક તરફ રસી અપાઈ રહી છે અને બીજી તરફ લાખો ડોઝ બરબાદ પણ થયા છે. કેટલાંક કિસ્સામાં માનવીય ભૂલ પણ જવાબદાર છે. જો કે આવા મામલામાં અત્યાર સુધી તો કોઈની સામે કાર્યવાહી નથી થઈ.જો કે અમેરિકામાં વેક્સીનના ડોઝ બરબાદ થવાના એક મામલામાં અમેરિકાની એક કોર્ટે એક ફાર્માસિસ્ટને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટમાં સ્ટીવન બ્રાંડેનબર્ગ નામના ફાર્માસિસ્ટ પર કોરોનાની રસીના 500 ડોઝ વેડફી નાંખવાનો આરોપ મુકાયો હતો. તેણે રસીના ડોઝને કલાકો સુધી રેફ્રિજેટરની બહાર રાખ્યાં હતાં. તેણે તેના પર લાગેલા આરોપ સ્વીકારી લીધા હતાં. સ્ટીવને સ્વિકાર્યું હતું કે, જે મેડિકલ સેન્ટરમાં હું કામ કરતો હતો ત્યાં મેં રસીના ડોઝ ફ્રીઝની બહાર રાખ્યા હતા. આ બાબતે હું શરમ મહેસૂસ કરૂ છું અને જે પણ થયું છે તે માટેની જવાબદારી હું સ્વીકારૂ છું. તેણે પોતાના પરિવાર સહકર્મીઓ અને કોમ્યુનિટીની માફી માંગી હતી.અદાલતે તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે અને સાથે સાથે દંડ તરીકે 83,000 ડોલર ભરવાનો આદેશ પણ આપ્યો છે. આ રકમ તેણે હોસ્પિટલને વળતર તરીકે આપવી પડશે. સરકારના વકીલે કોર્ટમાં પણ દલીલ કરી હતી કે, મેડિકલ ઈમરજન્સીના સમયે આ રીતે રસી બરબાદ કરવી એક ગંભીર અપરાધ છે. કોર્ટે પણ આ દલીલોને માન્ય રાખી હતી.
