કોવિશિલ્ડ અને કોવિક્સિન બાદ હવે રશિયન રસી સ્પુતનિક-વીનું ય ગુજરાતમાં આગમન થયુ છે. સ્પુતનિક-વી ખુબ જ અસરકારક રસી ગણાય છે. અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલોને સ્પુતનિક-વીના રસીના ડોઝનો જથ્થો અપાયો છે. આ ડોઝ હોસ્પિટલોમાં 1,145 રૂપિયામાં મળી રહેશે. 21 દિવસ બાદ જ આ રસીનો બીજો ડોઝ લઈ શકાતો હોવાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રથમ દિવસમાં અમદાવાદ અને સુરતમાં કુલ મળીને 225 જણાંએ રશિયન રસી લીધી હતી. ગુજરાતમાં કોરોનાને નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગે રસીકરણને વેગવંતુ બનાવવા અભિયાન શરૂ કર્યુ છે જેના ભાગરૂપે ખાનગી કંપનીઓ અને ઉદ્યોગોને ય વધુ લોકો રસી લે માટે જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાએ જાણે હળવા પગલે વિદાય લીધી છે. રાજ્ય આરોગ્ય વિભાગે પણ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રસીના કુલ જથ્થામાંથી 25 ટકા જથ્થો ખાનગી હોસ્પિટલો અને ઉદ્યોગોને ફાળવી આપવામાં આવે છે. હાલમાં ખાનગી હોસ્પિટલો અને ઉદ્યોગોને કુલ મળીને 4,88,880 રસીના ડોઝ ફાળવી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 324 રસીકેન્દ્રો પર 3,27,337 લોકોએ કોરોનાની રસી લીધી છે.
અત્યાર સુધી ગુજરાતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી જ લોકોને આપવામાં આવતી હતી. હવે વધુ એક રસીનો ઉમેરો થયો છે. રશિયન રસી સ્પૂતનિક-વી રસીનુ ય ગુજરાતમાં હવે આગમન થયુ છે. નેશનલ મિશન હેલૃથના ડાયરેક્ટર ડો.રામ્યા મોહને જણાવ્યું કે, ગુજરાતમાં હવે સ્પૂતનિક-વી રસી પણ આપવાનું શરૂ કરાયુ છે. અમદાવાદમાં 155 અને સુરતમા 70 જણાં એમ કુલ મળીને 225 જણાંએ સ્પુતનિક-વી રસી લીધી છે. પ્રથમ તબક્કામાં હેદરાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબોરેટરીએ અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલોને 1200 રસીના ડોઝ આપ્યા છે. ગુજરાતમાં હવે ખાનગી કંપની અને ઉદ્યોગોમાં કામ કરતાં રોજમદાર અને કાયમી કર્મચારીઓને રસી આપવા નક્કી કરાયુ છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાની આરોગ્ય વિભાગના ઉચ્ચ અિધકારીઓ સાથે બેઠક મળી હતી જેમાં નક્કી કરાયુ હતું કે, ખાનગી કંપની અને ઉદ્યોગોમાં કર્મચારીઓ જ નહીં, તેમના પરિવારજનોને રસી અપાશે.તે માટે ઉદ્યોગો અને ખાનગી કંપનીઓના માલિકો-સંચાલકોને જવાબદારી સુપરત કરાઇ છે. ગુજરાત રાજ્યની તમામ જીઆઇડીસીને પણ રસીકરણ માટે લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. આમ,ગુજરાતમાં રસીકરણને વધુ વેગવાન બનાવવા આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે.