કમોસમી વરસાદ (Maha Cyclone) ને કારણે ખેડૂતોના પાકને નુકશાન થયું છે. જ્યાં હાલ મગફળી, જુવાર, ડાંગર, જીરાના પાકને નુકશાનની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં શાકભાજીની ખેતીને પણ મોટાપાયે અસર થઈ છે. શિયાળામાં જ્યાં શાકભાજી ખાવાની સૌથી વધુ મજા આવે છે, ત્યાં જ શાકભાજીના ભાવ (Vegetables Price hike) આસમાને પહોંચ્યા છે. ડુંગળીનો ભાવ (Onion Price) તો સીધો 70 થી 80 રૂપિયે પહોંચી ગયો છે, ત્યાં અન્ય શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો નોંધાયો છે. ત્યારે જોઈએ, હાલ માર્કેટમાં શાકભાજીને કેવા ભાવ લેવાઈ રહ્યાં છે
ડુંગળીના ભાવ ફરી આસમાને પહોંચ્યા
વડોદરામાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જેની સીધી અસર લોકોના બજેટ પર થઈ રહી છે. કારણ કે વડોદરામાં સૌથી મોટા શાકભાજી માર્કેટ એવા ખંડેરાવ માર્કેટમાં ડુંગળીના ભાવ ૭૦ રૂપિયાથી લઈને ૮૦ રૂપિયા સુધી કિલો પર પહોંચ્યા છે. જેના કારણે લોકો ડુંગળી ખરીદતા પહેલા વિચાર કરી રહ્યા છે. ડુંગળી રસોડાની સૌથી પ્રાથમિક શાકભાજી છે. તેથી લોકો ભાવ વધવાના કારણે ખરીદવાનું ટાળી રહ્યાં છે. મહત્વની વાત છે કે ડુંગળીના ભાવ વધવાના કારણે વેપારીઓની ઘરાકી પર પણ અસર પડી રહી છે. ગ્રાહકો સરકાર પાસેથી રાહત દરે ડુંગળી અને બટાકાના સ્ટોલ લગાવવા માટે અપીલ કરી રહ્યાં છે, તો વેપારીઓ વરસાદના કારણે ડુંગળીના પાકને નુકશાન પહોંચતા ભાવ વધ્યા હોવાની દલીલ કરી રહ્યાં છે.
અન્ય શાકભાજીના ભાવ
અમદાવાદ સહિત રાજ્યભરના અનેક માર્કેટમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે જોઈએ, કઈ શાકભાજી કેટલા ભાવે મળી રહી છે.
- ડુંગળી 60- 80 રૂપિયા કિલો
- બટાકા 30 રૂપિયા કિલો
- ટામેટા 40-50 રૂપિયા કિલો
- આદુ 120 રૂપિયા કિલો