પોલીસે VHP અને બજરંગ દળને કર્ણાટકના મેંગલુરુમાં રેલી કાઢવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. હિન્દૂ સંગઠનો પયગંબર મુહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને દેશના જુદા જુદા ભાગોમાં હિંસાનો વિરોધ કરવા માંગતા હતા.
આ બંને સંગઠનો આજે ગુરુવારે મેંગલુરુમાં રેલી કાઢવા માંગતા હતા. તેઓ એવા લોકો સામે પોતાનો વિરોધ નોંધાવવા માગતા હતા કે જેઓ ટિપ્પણી સામે હિંસામાં સામેલ હતા. આ રેલી મેંગલુરુના પીવીએસ સર્કલ પાસે થવાની હતી. આ નિર્ણયની જાહેરાત VHP અને બજરંગ દળના નેતાઓએ સોશિયલ મીડિયા દ્વારા કરી હતી.
મેંગલુરુ પોલીસ કમિશ્નર એન શશિ કુમારે કહ્યું કે શહેરમાં આવી રેલીની મંજૂરી મળી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને વિરોધ રેલી યોજવાની પરવાનગી માંગતો કોઈ પત્ર મળ્યો ન હતો અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
VHP નેતા શરણ પમ્પવેલે જણાવ્યું હતું કે તેઓએ વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી માંગી હતી. પોલીસે પરવાનગી નકારી હોવાથી, સંગઠન હવે જિલ્લા નાયબ કમિશનર દ્વારા રાષ્ટ્રપતિને રાષ્ટ્રવ્યાપી હિંસાની નિંદા કરતું મેમોરેન્ડમ મોકલશે.