દિલ્હી પોલીસે જણાવ્યું કે બુધવારે બપોરે લગભગ 12.41 વાગ્યે કોઈએ ઝંડેવાલન મંદિરના બીજા માળે આવેલા VHP કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મધ્યપ્રદેશના સિધી જિલ્લાના ભટવાલી નિવાસી રાજકુમાર પાંડેને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી, તેણે દાવો કર્યો કે તે ગ્રેજ્યુએટ છે અને 22 જુલાઈના રોજ તેની કાકી સાથે અહીં આવ્યો હતો.
તેની કાકી અહીં ફતેહપુર બેરી વિસ્તારમાં રહે છે.
તેની ફરિયાદ હતી કે તેના ગામના એક પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને આ મુદ્દે કોઈ હિન્દૂ સંગઠન કંઈ કરી રહ્યું નથી, જેના કારણે તેને ગુસ્સો આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે આરોપી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સમર્થક હોવાનો દાવો કરી રહ્યો છે. જો કે, તે એમ પણ કહી રહ્યો છે કે આરએસએસના વરિષ્ઠ અધિકારીઓ કંઈ કરી રહ્યા નથી તેથી બધાનું પોતાના તરફ ધ્યાન ખેંચવા આ ધમકી આપી છે.
પહાડગંજ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ સેલ અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે.