થોડા દિવસ પહેલા જ બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે વિજય માલ્યાના પ્રત્યાર્પણનો રસ્તો ખુલ્લો કરી દીધો હતો. આ સ્થિતિ વચ્ચે વિજય માલ્યાએ હવે કહ્યું છે કે ભારતને માત્ર માલ્યા પરત આવે તેમાં જ રસ છે નહીં કે પૈસા પરત મેળવવામાં. કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરીએ વિજય માલ્યાનો બચાવ કર્યો હતો તે બાદ એનડીટીવી સાથેના ઇન્ટરવ્યૂમાં માલ્યાએ વિવિધ મુદ્દે પોતાની વાત રજુ કરી હતી. તેણે જણાવ્યું હતું કે હું મારી વિરુદ્ધ આવેલા ચુકાદાને અપીલ કોર્ટમાં પડકારીશ અને આ અંગેની વાતચીત હાલ મારી લિગલ ટીમ સાથે ચાલી રહી છે. માલ્યાએ અગાઉ કહ્યું હતું કે હું બેંકો પાસેથી જેટલી પણ લોન લીધી છે તેને પરત આપવા માટે તૈયાર છું પણ હું વ્યાજ આપી શકું તેમ નથી માટે માત્ર મુળ રકમ જ આપીશ.
કોર્ટના ચુકાદાને પગલે હવે માલ્યાને ગમે ત્યારે ભારતમાં લાવવામાં આવી શકે છે જોકે તેને એક વર્ષથી વધુનો સમય લાગી શકે છે. આ સ્થિતિ વચ્ચે માલ્યાએ જણાવ્યું હતું કે હું ૨૦૧૬ પહેલા જ બેંકોની સાથે વાતચીત કરી રહ્યો હતો અને રકમ ચુકવવા માટે તૈયાર હતો. આજે ઇડી અને બેંકો મારી સંપત્તિ માટે જગડી રહ્યા છે અને મારા પરના આરોપો સાબીત નથી કરી શક્યા. જ્યારે પત્રકારે પૂછ્યું કે શું તમને આશ્ચર્ય નથી લાગતુ કે હજુસુધી ભારતે તમારા પૈસા પરત લેવાનું ચાલુ નથી કર્યું.
જવાબમાં માલ્યાએ કહ્યું હતું કે સાચી વાત છે, ભારતને પોતાના પૈસા પરત લેવા કરતા વિજય માલ્યામાં જ વધુ રસ છે. મારી પાસે ૧૯૯૨થી ભારતની નાગરીક્તા હતી, હું વર્ષોથી બ્રિટનમાં જ રહેતો હતો અને અહીં મારો વ્યવસાય પણ ભારત કરતા પણ જુનો છે. આવી સ્થિતિમાં મે ભારત છોડયું તે કહેવું ખોટુ છે. વિજય માલ્યાએ જણાવ્યું હતું કે હું પૈસા આપવા માટે તૈયાર હોવા છતા ભારત સરકાર તેમાં રસ નથી લઇ રહી કેમ કે તેને પૈસા પરત લેવામાં રસ જ નથી, તે તો ઇચ્છે છે કે માલ્યાને ગમે તેમ કરીને ભારત લાવવામાં આવે. હું બ્રિટનમાં વર્ષોથી નાગરીક્તા ધરાવતો રહ્યો છું,આ પણ મારુ ઘર છે અને હું બસ મારા કામથી જ અહીં આવ્યો છું તેવો દાવો પણ માલ્યાએ કર્યો હતો.