પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીના પરીણામો બાદ પણ હિંસા જારી છે, અહીં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મોટા પાયે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે આવેલા ચૂંટણીના પરીણામો બાદ પણ શાંતિ નથી સ્થપાઇ.
અનેક જગ્યાએ ચૂંટણીના પરીણામોના બીજા દિવસે પણ હિંસાની ઘટનાઓ સામે આવી છે જેમાં ટીએમસી અને બીજેપીના કાર્યકર્તાઓએ એકબીજાની સાથે મારમારી કરતા અનેક ઘવાયા છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે અમારા પક્ષના અનેક કાર્યકર્તાઓ પર ભાજપના ગૂંડાઓેએ હુમલો કર્યો છે અને અમારી ઓફિસ પર તોડફોડ પણ કરી છે.
પોલીસે પણ જણાવ્યું હતું કે ટીએમસી કાર્યકર્તાઓની સાથે કુચબિહારમાં મોટા પાયે મારપીટ થઇ છે. અહીંના નાડીઆ જિલ્લામાં એક ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે જોકે હત્યાનો આરોપ ભાજપે ટીએમસી પર લગાવ્યો છે. ટીએમસીએ પણ જણાવ્યું હતું કે અમારી અનેક જગ્યાએ આવેલી ઓફિસમાં મોટા પાયે ભાજપ કાર્યકર્તાઓએ તોડફોડ કરી છે.
કુચબિહાર બેઠક પર ભાજપના નિશિત પ્રમાણીકે તેમના ટીએમસીના પ્રતિદ્વંદી પરેશ અધિકારીને હરાવ્યા હતા. જે બાદ અહીં ટીએમસીની ઓફિસમાં મોટા પાયે તોડફોડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. બીજી તરફ અન્ય કેટલાક વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓની સાથે પણ ટીએમસી કાર્યકર્તાઓએ મારપીટ કરી હોવાનું સામે આવ્યું છે.
ભાજપે આરોપ લગાવ્યો છે કે અમારા કાર્યકર્તાઓની સાથે બકશિરકુટી વિસ્તારમાં ઉજવણી દરમિયાન ટીએમસી કાર્યકર્તાઓએ મોટા પાયે મારપીટ કરી છે. જોકે આ આરોપોને ટીએમસીએ નકાર્યા છે.
આ જ પ્રકારની સામસામે હિંસાની ઘટના બાનકુરા જિલ્લામાં પણ સામે આવી છે. બીજી તરફ મમતા બેનરજી અને રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ લોકોને શાંતિની અપીલ કરી છે. જે પણ વિસ્તારોમાં હિંસાનું પ્રમાણ સામે આવ્યું છે ત્યાં મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વાહનો સળગાવવાની ઘટના પણ સામે આવી છે.