નવા નરોડા રોડ, સૈજપુર બોઘા ખાતે કુબેશ્વેર મહાદેવ પાસે શિવાજી પાર્કમાં રહેતા વૈશાલીબહેન ધવલકુમાર પરીખ (ઉ.વ.૩૮)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા કે. બી. અલ્ટીઝાની બાજુમાં ગ્રીન ઓરા ખાતે રહેતા ધવલકુમાર બાબુલાલ પરીખ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના આરોપી સાથે 2018માં સમાજના રિતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ ફરિયાદી પર શક વહેમ રાખતા હતા જેના કારણે મારઝૂડ કરતા અને નોકરી જતી વખતે મકાનમાં પૂરીને બહારથી તાળુ મારીને જતા હતા અને પરત આવીને લોક ખોલતા હતા.આ બાબતે સાસુ અને સસરાને જાણ કરી હતી પરંતુ તેઓના સમજાવવા છતાં કોઇ પરિવર્તન આવતું ન હતું. દરમિયાન પુત્રનો જન્મ થતાં પતિને કોઇપણ પ્રકારનો આનંદ થયો ન હતો અને પત્ની તથા પુત્રની દેખભાળ પણ રાખતા ન હતા. ગત તા. ૧૭ના રોજ પતિએ મારઝૂડ કરીને પિયરમાંથી એક લાખ લઇને નહી આવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને કાઢી મૂકી હતી. સમજાવવા છતાં માતા -પુત્રને તેડી જવા માટે તૈયાર થતા ન હતા અને ફરિયાદીના પિતા-માતા અને બનેવીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
