ચૂંટણી પંચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે હવે પોતાના રાજ્યમાંથી કોઈ બીજા રાજ્યની ચૂંટણીમાં પણ મતદાન કરી શકશે. આ માટે ચૂંટણી પંચ આઈઆઈટી મદ્રાસ સાથે મળીને બ્લોક ચેઈન સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ બુધવારે આ જાણકારી આપતા કહ્યું કે, આ એવી સિસ્ટમ હશે, જેનાથી રાજસ્થાનની કોઈ વ્યક્તિ ચેન્નાઈમાં કામ કરતી હશે, તો તે ચેન્નાઈથી રાજસ્થાન ચૂંટણીમાં મત આપી શકશે.
જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ સિસ્ટમનો અર્થ એ નથી કે, કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા મત આપી શકશે. બીજા રાજ્યોમાં રહેતા લોકોએ પણ મત આપવા ચોક્કસ સ્થળે જવું પડશે. આ માટે કાયદામાં સંશોધનની પણ જરૂર પડી શકે છે. અરોરાએ કહ્યું કે, ઈવીએમ સાથે છેડછાડ શક્ય જ નથી. ફરી બેલટ પેપરથી ચૂંટણીઓ યોજવાનો સવાલ જ નથી. વિવિધ ચૂંટણી સુધારા અને આદર્શ સંહિતા મુદ્દે ચૂંટણી પંચ ટૂંક સમયમાં વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક પણ કરશે.