શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી ઈસ્લામને છોડીને હિંદુ ધર્મમાં પ્રવેશ કરશે. ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ તેમને સનાતન ધર્મ ગ્રહણ કરાવશે. વસીમ રિઝવી સોમવારે સવારે દસ વાગે ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરમાં હિંદુ ધર્મ અંગીકાર કરશે. યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે તેમને હિંદુ ધર્મમાં પ્રવેશ કરાવશે.
વસીમ રિઝવીએ થોડા દિવસ પહેલા જ પોતાની વસીયતનામું જાહેર કર્યું હતું. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, તેમના મૃત્યુ બાદ તેમને દફનાવવામાં ન આવે પરંતુ સંપૂર્ણ હિંદુ રીત-રિવાજ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. આ સાથે જ તેમણે યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ તેમની ચિતાને અગ્નિ આપશે.
રિઝવીએ એક વીડિયો થકી કહ્યું હતુ કે, તેમની હત્યા કરવાનું અને તેમની ગરદન ધડથી જુદી કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. વધુમાં કહ્યું હતું કે, ‘મારો ગુનો ફક્ત એટલો છે કે, મેં કુરાનની 26 આયાતોને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. મુસલમાનો મને મારી નાખવા ઈચ્છે છે. તેમને કહ્યું હતુ કે, મુસ્લિમોએ જાહેરાત કરી છે કે, મને કબ્રસ્તાનમાં જગ્યા આપવામાં આવશે નહીં. જેથી મારા મૃત્યુ બાદ પછી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે.’
વસીમ રિઝવી હંમેશા કટ્ટરપંથીઓના નિશાન પર રહે છે. તેમણે કુરાનની 26 આયાતો દૂર કરવા માગ કરી હતી અને તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે તે અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારથી જ રિઝવી મુસ્લિમ સંગઠનોના નિશાન પર છે. મુસ્લિમ સંગઠનોના કહેવા પ્રમાણે રિઝવીને ઈસ્લામ અને શિયા સંપ્રદાય સાથે કશું જ નથી લાગતું-વળગતું. મુસ્લિમ સંગઠનો રિઝવીને મુસ્લિમ વિરોધી સંગઠનોના એજન્ટ ગણાવે છે.