ભારતમાં રફાલ વિમાનનું આગમન થતા ચીન અને પાકિસ્તાન આક્રામક નિવેદનો આપવા લાગ્યા છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારત પાંચ રફાલ વિમાન ખરીદે કે 500 અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. પાકિસ્તાન સૈન્યએ ભારત દ્વારા સુરક્ષા પર થઇ રહેલા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી સાથે જ રફાલ વિમાન અંગે પણ નિવેદન આપ્યું હતું અને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાનના સૈન્ય પ્રવક્તા જનરલ બાબર ઇફ્તિકારે કહ્યું હતું કે પાકિસ્તાન ભારતના સૈન્ય ખર્ચ અને સંરક્ષણ બજેટને લઇને ચિંતીત છે પણ ભારતના ફ્રાંસ પાસેથી પાંચ રફાલ વિમાન ખરીદવા છતા પણ અમે કોઇ પણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ. પાકિસ્તાનના આંતરીક અને બહારના મુદ્દાઓને લઇને બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં આ ઝેર ઓક્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત સૈન્ય ખર્ચમાં હાલ દુનિયામાં સૌથી આગળ છે અને તે હિથયારોની ખરીદીની હોડમાં છે.
તેમણે રફાલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જે રીતે રફાલને ફ્રાંસથી ભારત લાવવા દરમિયાન કવરેજ કરવામાં આવ્યું તેનાથી તેની સુરક્ષાના સ્તરનો ખ્યાલ આવી જાય છે. જોકે ભારત પાંચ રફાલ વિમાન ખરીદે કે 500 અમને કોઇ જ ફેર નથી પડવાનો અમે સંપૂર્ણપણે તૈયાર છીએ અને અમને અમારી ક્ષમતા પર કોઇ જ શંકા નથી.