કોરોનાના સંક્રમણ વચ્ચે પણ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે.હજી 30 એપ્રિલ સુધી અલગ અલગ તબક્કામાં મતદાન થવાનુ છે. જોકે ચૂંટણી પ્રચાર માટેની સભાઓ અને રોડ શોમાં ઉમટી રહેલી ભીડનુ પરિણામ એ આવ્યુ છે કે, બંગાળમાં કોરોના હવે કહેર વરતાવી રહ્યો છે.એક મહિનામાં બંગાળમાં કોરોનાના કેસમાં 1500 ટકાનો વધારો થયો છે.બંગાળમાં ચૂંટણી બાદ જે પણ નવી સરકાર બનશે તેની સામે કોરોના મોટો પડકાર બનશે તેવુ લાગી રહ્યુ છે.બંગાળમાં 11 માર્ચે કોરોના કેસ ઘટીને 3110 રહ્યા હતા. જોકે હવે તેમાં ઉછાળો આવી રહયો છે. 20 માર્ચ પછી રાજ્યમાં સક્રિય કોરોનાના કેસની સંખ્યા હવે 53000 ઉપર પહોંચી ચુકી છે.કોરોના સંક્રમણ માટે મોટા પાયે થયેલી નેતાઓની સભાઓ મુખ્ય કારણ હોઈ શકે છે.પુરલિયા જિલ્લાની વાત કરવામાં આવે તો અહીંયા 18 માર્ચ સુધી 35 સક્રિય કેસ હતા.આ જ રીતે હાવડા અને હુગલીમાં એક્ટિવ કેસ એક મહિના પહેલા 84 હતા.જે વધીને બમણા થઈ ગયા છે.દક્ષિણ 24 પરગણામાં કોરોનાના કેસ 14 માર્ચે 126 હતા.જે પણ વધીને હાલમાં બમણા થઈ ચુકયા છે. રાજધાની કોલકાતામાં ફેબ્રુઆરીમાં કોરોના કેસની સંખ્યા 200થી ઓછી હતી.હવે 20 એપ્રિલે કોરોનાના કેસ 2234 થઈ ગયા છે.હજી કોલકાતામાં મતદાન થવાનુ બાકી છે.
