લોકડાઉનના પગલે સિનેમાઘર, મોલ, લગ્ન વગેરેના મેળાવડા, જમણવાર, બાગબગીચા બંધ કરાવ્યાં. રાજ્યમાં ૧૪૪મી કલમ લાગુ કરીને ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો. આપણને બધાને મનમાં વિચાર એવો આવે છે કે સરકાર વધુ પડતી ડરી ગઈ છે. બાકી લોકો પોતપોતાના વિસ્તારમાં હરેફરે તો એમાં શું જોખમ હોય!
કોરોના વાઇરસ ભારતમાં અને ગુજરાતમાં પણ દેખા દઈ શકે એવું જોખમ છે એવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો અહેવાલ આવ્યો કે તરત સરકારે બધાં એરપોર્ટ પર સ્ક્રીનિંગ સેન્ટર ખોલી દીધાં. જાહેરાત કરવામાં આવી કે વિદેશથી આવનાર બધા જ લોકોને તપાસવામાં આવશે. કોરોના વાઇરસથી મુક્ત હોય એવા લોકોને જ એમના ઘેર જવા દેવાશે, નહીંતર એમને એરપોર્ટ નજીકના જ સેન્ટરમાં રાખીને વધુ તપાસ કરાશે અને ઈલાજ કરવામાં આવશે.
આ પગલું બિલકુલ જરૂરી હતું, કારણ કે કોરોના વાઇરસ ચીનથી ફેલાયો છે અને એ છીંક કે ઉધરસમાં મોંમાંથી બહાર ફેંકાતા લાખ્ખો જળબિંદુઓ પર સવાર થઈને હવામાં ફેંકાય છે. એ વખતે નજીકમાં જે વ્યક્તિ કે વસ્તુ હોય એની ઉપર જળકણ ચોંટી જાય તો કોરોના પણ ચોંટી જાય છે.
છીંક કે ઉધરસ દ્વારા સીધો સામેની વ્યક્તિના શ્વાસમાં, આંખ કે નાકમાં પણ જઈ શકે. એક વખત શરીરમાં પ્રવેશી જાય તો એ નાકના મોક્સ કહેવાતા નરમ સ્પોન્જ જેવા સ્નાયુઓમાં અડ્ડો જમાવે છે અને કોલોની બનાવે છે. ત્યાં વસતીવધારો કરીને પછી ફેફસાં સુધી પહોંચે છે.
કપડાં, હાથ, વસ્તુ ઉપર પહોંચેલો કોરોના વાઇરસ ૨૦ કલાકમાં મૃત્યુ પામે છે, પરંતુ જો એ પહેલાં કપડાં, હાથ કે વસ્તુ આપણાં મોં, નાક, આંખને સ્પર્શે તો કોરોના વાઇરસને શરીરમાં ઘૂસવાની તક મળી જાય છે.
કોરોના વાઇરસ શરીરમાં પ્રવેશી જાય એ પછી ચારથી ૧૦ દિવસ સુધી એ પોતાનો વસતીવધારો જ કરતો રહે છે. આ સમય દરમિયાન માણસને ખબર પડતી નથી કે તેને ચેપ લાગ્યો છે. ઘણાને કોરોનાની અસર વર્તાય તો પણ એને શરદી હશે એમ માનીને શરદીની દવા લઈએ કામ કરતો રહે છે.
આ ૧૦ દિવસ દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હોય એ માણસ જેને જેને મળે, હાથ મિલાવે, ભેટે, એની સામે છીંક ખાય, ઉધરસ ખાય, એને ખાવાપીવાની કોઈ વસ્તુ આપે તો સામેની વ્યક્તિને પણ અજાણતાં કોરોના વાઇરસ ભેટ આપી દે છે.
આ જોખમને ટાળવા માટે સરકારે વિદેશથી આવનાર દરેક નાગરિકનું સ્ક્રીનિંગ કરીને, ૨૪ કે ૪૮ કલાક નિરીક્ષણમાં રાખીને પછી જ એના ઘેર જવાની મંજૂરી આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ આપણે બધા ભારતીયો કાયદામાં છીંડું પાડીને કાયદો અને વ્યવસ્થામાંથી આબાદ બચી જવામાં શૂરવીરતા અનુભવીએ છીએ.
સંખ્યાબંધ નાગરિકોએ સરકારના સૂચનને ગંભીરતાથી લેવાને બદલે સરકી જવાની શૂરવીરતા બતાવી. એના કારણે હવે સ્થિતિ કાબૂબહાર નીકળી ગઈ છે.
૧૯ માર્ચ ને ગુરુવારે ગુજરાતમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યાના શંકાસ્પદોમાંથી વડોદરાના ૩૨ વર્ષના માણસને કોરોનાનો ચેપ હોવાનું સાબિત થયું. એ ભાઈ મક્કા ગયા હતા, ત્યાંથી વિમાનમાર્ગે મુંબઈ ઊતર્યા અને પછી ટ્રેનમાં અમદાવાદ આવ્યા અને બસમાં રાજકોટ પહોંચ્યા હતા. બીજો કેસ સુરતમાં ૨૧ વર્ષની એક છોકરીનો કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો. એ યુવતી સુરતથી મુંબઈ ગઈ હતી અને ત્યાંથી કારમાં પાછી સુરત આવી હતી.