મોદી સરકાર આજે પોતાનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટ પર સામાન્ય માનવીથી લઈને ખેડૂતો અને ઉદ્યોગકારોની પણ નજર મંડરાયેલી છે. ખેડૂતો કૃષિક્ષેત્રે નવી રાહત માગે છે. તો ટેક્ષટાઈલ ક્ષેત્ર નવી નીતિ ઝંખે છે. નોકરીયાત વર્ગ ટેક્સલિમિટમાં વધારો ઈચ્છે છે. જોકે સરકાર શું રાહત આપવા માંગે છે તેનો કોઈ ખુલાસો થઈ શક્યો નથી. પરંતુ 2019ના લોકસભા જંગ અગાઉનું આ બજેટ ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવે છે.
મોદી સરકાર માટે આ બજેટ ખાસ એટલા માટે પણ માનવામાં આવે છે કે 4 મહિના પછી લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકસભા ચૂંટણી મોદી સરકાર માટે મોટો પડકાર છે. જેથી આ બેજટમાં મોદી સરકાર મધ્યમવર્ગ અને ખેડૂતોના દીલ જીતવાની કોશિશ કરશે. કારણ કે, દેશમાં મધ્યમવર્ગ અને ખેડૂતોની વસ્તી સૌથી વધુ છે.
મહત્વનું છે કે, મોદી સરકાર હોય કે અન્ય કોઈપણ સરકાર ચૂંટણી સમયે પોતાના ફાયદા માટે જાહેરાત કરે જ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી દેશમાં જે રીતે માહોલ બન્યો છે. ખેડૂતોની જે રીતે રાજધાની સુધી નારાજગી જોવા મળી છે. તેને જોતા અન્નદાતા મોદી સરકાર માટે મોટો પડકાર છે. જેથી મોદી સરકાર આ બજેટમાં અન્નદાતાને ખુશ કરવા માગે છે. જેથી આ માટે સરકાર ખેડૂતોને ખેતી માટે દરેક સિઝનમાં રૂપિયા 4 હજારની પ્રતિ એકરના દરથી આર્થિક સહાય આપી શકે છે. એટલું જ નહીં પરંતુ આ રકમ સીધી ખેડૂતોના ખાતમાં જમા થાય તેવો પણ વિચાર કરી રહી છે. આ સાથે જ સરકાર ખેડૂતોને એક લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવાનો પણ વિચાર કરી રહી છે. મહત્વનું છે કે, દેશમાં લગભગ 21.6 કરોડ નાના અને મધ્યમ ખેડૂતો છે. જેથી સરકારની આ જાહેરાતથી સરકારી તિજોરી પર 2.30 લાખ કરોડનો બોજ પડી શકે છે.
ખેડૂતોની સાથે-સાથે મોદી સરકારનું લક્ષ્ય ખાસ મીડલ ક્લાસ વર્ગ છે. ત્યારે આ બેજટમાં મધ્યમ વર્ગને પણ મોદી સરકાર ગોળનો સ્વાદ ચખાડવાની તૈયારીમાં છે. એવી માહિતી છે કે, મોદી સરકાર નાણાકીય વર્ષ 2019-20 પહેલા આવકવેરાની મર્યાદામાં વધારો કરી મીડલ ક્લાસને ખુશ કરવાનો પ્રયાસ કરી શકે છે. સરકાર આવકવેરાની મર્યાદા 3 લાખથી 5 લાખ કરી શકે છે. હાલ દેશમાં રૂ.2.5 લાખ સુધીની વાર્ષિક આવક પર આવકવેરો નથી ભરવો પડતો.
મહત્વનું છે કે, એક તરફ મોદી સરકાર મધ્યમવર્ગ અને ખેડૂતોને આકર્ષવા મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના છે. જ્યારે બીજી તરફ વિરોધ પક્ષોનું કહેવું છે કે, મોદી સરકારે બજેટમાં કોઈપણ રાહતની જાહેરાત ન કરવી જોઈએ. ચૂંટણી પૂર્વેના બજેટમાં માત્ર લેખાનુદાન જ હોવું જોઈએ.
વિપક્ષોના વિરોધ વચ્ચે પણ આ બજેટમાં મોદી સરકાર અનેક મહત્વની જાહેરાતો કરે તેવી સંભાવના છે. જેમાં સરકાર અંડર કંસ્ટ્રક્શન ફ્લેટ અને મકાન પર GST દર ઘટાડી શકે છે. જેથી કરીને મધ્યમ વર્ગના લોકોને હોમલોનના વ્યાજદરમાં છૂટ મળી શકે છે. આ સાથે જ સરકાર નાના વેપારીઓને સસ્તી લોનની સાથે-સાથે વ્યાજમાં પણ 2 ટકા સુધીની છૂટ આપી શકે છે. પરંતુ આ ફાયદો માત્ર GST હેઠળ રજીસ્ટર નાના વેપારીઓને જ મળશે.
મહત્વનું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં પણ કરના દરોમાં બદલાવની મોટી આશા હતી. પરંતુ નાણાકીય શિસ્તના કારણે મોદી સરકાર એવું કરી શકી ન હતી. આયુષ્માન ભારત જેવી મોટી યોજનાઓને સફળ રીતે ચલાવવા માટે એક જંગી રકમની જરૂર છે. પરંતુ GST હેઠળ જે ભંડોળ મળી રહ્યું છે તે લક્ષ્ય કરતા ખુબ ઓછું છે. તેવામાં લોકસભા ચૂંટણી પહેલાનું આ વચગાળાનું બજેટ કેવું હશે. કેવી હશે મોદી સરકારની જાહેરાત તેના પર સૌકોઈની નજર મંડરાયેલી છે.