કોરોના મહામારીથી બચવા માટે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે ધાર્મિક સ્થાનો પર લોકોને ભેગા ન થવા માટેના પણ નિર્દેશ વિવિધ દેશોની સરકારો દ્વારા આપવામાં આવ્યા છે. થોડાક જ દિવસમાં મુસ્લિમોનાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થશે. જેને લઈને વિશેષ કાળજી લેવા માટે WHO દ્વારા કેટલીક મહત્વની વાતો જણાવવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રમઝાનને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેમાં રમઝાન દરમિયાન મહત્વની વાતોનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે. આ સાથેજ દેશની મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓએ પણ લોકોને રમઝાન માસમાં એક સ્થળે ભેગા ન થવા, ઇબાદત માટે મસ્જિદોમાં વધુ ભીડ ન કરવા તેમજ ઘરે રહીને ઇબાદત કરવા માટે પણ સૂચનાઓ આપી છે. હાલ દેશમાં લોકડાઉનને કારણે મસ્જિદો બંધ છે અને મુસ્લિમ ભાઈઓ પોતાના ઘરે જ નમાઝ તેમજ ઇબાદત કરી રહ્યાં છે. એવામાં કોરોનાથી બચાવ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગાઈડલાઈન આપી છે.
-જો રમઝાન માટે અનેક લોકોને એક જગ્યાએ એકત્ર થવાની મંજૂરી આપવામાં આવે તો કોવિડ-19ના ખતરાને ઘટાડવાનો પ્રબંધ હોવો જોઈએ.
-રમઝાન દરમિયાન એકબીજાના અભિવાદન માટે માથા પર હાથ મૂકવો કે માથુ ઝુકાવવું જેવા વ્યવહારને પ્રોત્સાહન આપવું જોઈએ.
-કોવિડ-19ના લક્ષણો ધરાવતાં વ્યક્તિઓ રમઝાન દરમિયાન બહાર ન નીકળે અને લોકોને ન મળે તેનું ધ્યાન રાખવું.
-વડીલો અને ગંભીર બીમારીવાળા લોકોને રમઝાનમાં ઘરમાં જ રહેવા પર ભાર આપવામાં આવે.
-જો કોઈ કારણ રમઝાન દરમિયાન નમાઝ માટે લોકો એકત્ર થાય તો વુઝૂ અને નમાઝના સમયે બે વ્યક્તિ વચ્ચે અંતર જળવાવવું જોઈએ.
-જો મસ્જિદમાં લોકો એકત્ર થાય તો પણ એક-એક કરીને અંતર જાળવી અંદર આવવું જોઈએ.
-સરકાર તરફથી રમઝાનમાં કોરોનાના ફેલાવાથી બચવાના તમામ ઉપાય સુનિશ્ચિત કરવા જોઈએ.
-રમઝાનના સામાજિક અને ધાર્મિક સમારોહોના સંદર્ભમાં સૂચનાઓ સ્પષ્ટ હોવી જોઈએ.