ગાંધીનગર: પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જોડાવાને લઇને આપેલા નિવેદન બાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કહ્યુ કે, નરેશભાઇ પટેલ કોંગ્રેસમાં આવશે તો પાર્ટી રેડ કાર્પેટ પાથરવા માટે તૈયાર છે.
પાટીદાર આગેવાનોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મીટિંગ થવાની છે. આ પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યુ હતુ કે જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર જોડાઈશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય બીજો કોઇ જ વિકલ્પ નથી.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે તાજેતરમાં જગદીશ ઠાકોરે પદભાર સંભાળ્યો છે. નરેશ પટેલને જગદીશ ઠાકોરે કોંગ્રેસમાં આવવા ભાવપૂર્વક આમંત્રણ આપ્યુ છે. ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ભાજપ-કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પાટીદારોને પોતાના પક્ષમાં કરવા માટે પૂરેપૂરી કોશિષ કરી રહી છે.