India: ભાજપ એવું કહે છે કે કોંગ્રેસ મૂક્ત ભારત દેશ.પણ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે એ સાફ દેખાય છે. કેડરબેઝ કાર્યકરો અને નેતાઓનાં બદલે ભાજપમાં કોંગ્રેસમાંથી આવી રહેલા તમામ પક્ષપલટુઓનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એક પ્રકારે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો રસાલો રોજે રોજ તૈયાર હોય છે.
રાજકારણમાં સર્વવિદિત છે કે ચૂંટણી હોય કે ન હોય પણ નેતાઓ અને કાર્યકરો પોતાની સાનુકુળ સ્થિતિમાં નિર્ણય લઈને પક્ષ દ્રોહ કરી નાંખે છે. રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મનની નથી એ ઉક્તિને સાર્થક કરતી અનેક ઘટનાઓ ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં આઝાદીકાળથી ચાલી આવી રહી છે. વિચારાધારા સાથે સંમત હોય કે ન હોય પણ નેતાઓ પોતાની ફ્લેક્સિબિલિટીને શોધીને જે તે પાર્ટીને છોડીને સામા પ્રવાહે તરવાની કોશિશમાં લાગેલા જોવા મળે છે. કેટલાક માટે રાજકારણમાં અસ્તિત્વ ટકાવવાનો સવાલ છે તો કેટલાક માટે સરકારી તંત્રમાં રહીને લાભાલાભ લેવાનો તરીકો છે, તો કેટલાક પોતાના તકવાદી રાજકારણ અથવા તો સ્વાર્થના કારણે આવું કરતા હોવાનું બનતું આવેલું છે.
દેખીતી રીતે કોઈ કારણ હોયકે ન હોય પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપની સામે ઝીંક ઝીલવામાં સદંતર નિષ્ફળ જઈ રહ્યા છે અને આ વાત અનેકવાર સાબિત થઈને રહી છે. કોંગ્રેસના કાર્યકરો હજુ પણ સત્તાના તોરમાંથી બહાર આવી રહ્યા નથી તો ભાજપનાં નેતાઓને ક્યાંક પણ નાની હારનો ફોબિયા થઈ ગયો છે. નાનકડી હાર પણ ભાજપના નેતાઓ માટે પાર્ટીની અંદર મોટો મુદ્દો બની જતો હોય છે.
માની લઈએ કે આજકાલ કોંગ્રેસમાંથી ભાજપ ભરો અભિયાન ચાલી રહ્યો છે, આના માટે ખુદ કોંગ્રેસ પણ જવાબદાર છે તો જઈ રહેલા નેતાઓ પણ એટલા જ જવાબદાર છે. વર્ષો સુધી કેન્દ્ર અથવા રાજ્યોમાં સત્તાનો સ્વાદ ચાખનારા નેતાઓને સત્તા વિના ચાલી રહ્યું નથી, આના અનેક દાખલા લોકોની નજર સમક્ષ છે.
કોંગ્રેસનો જમાનો હતો કોણ માનશે?
ગુજરાતની વાત કરીએ તો નવી પેઢીના યુવાનો અને કાર્યકરો કોંગ્રેસની સરકારો ક્યાંય જોઈ નથી. કોંગ્રેસ સમ ખાવા પુરતીય કોઈ મહાનગરાપાલિકામાં સત્તાના સ્થાને આવી શકી નથી. એટલે કોંગ્રેસની સરકારો કેવી છે અને કેવી હતી તે માટે યુવાનો ઈન્ટરનેટ પુર સર્ચ કરીને પોતાની ઉત્કંઠાને સંતોષી લે છે. પાછલા 10 વર્ષથી કોંગ્રેસ કેન્દ્રમાં સરકારમાં આવી નથી. 2014 સુધી લોકએ કોંગ્રેસની ગઠબંધન સરકાર જોઈ છે અને ત્યાર બાદ 10 વર્ષથી ભાજપની સંપૂર્ણ બહુમતિવાળી સરકાર જોઈ છે. એટલે કે કોંગ્રેસનો જમાનો કેવો હતો તે માનવા માટે પ્રેકટીકલી ગુજરાતનો લોકોને કોઈ કરતાં કોઈ અનુભવ નથી અને કોંગ્રેસે મીડિયાનો જે પ્રકારે બહિષ્કાર કર્યો છે તે પણ એક મોટું નુકશાન કોંગ્રેસ સહિતના વિપક્ષોને થઈ રહ્યો છે.
શું પવન પલટાશે, પણ ક્યારે?
આજે આપણે જોઈ રહ્યા છે કે ભાજપમાં જવાનો ગાડરીયો પ્રવાહ છે પણ આ પવન પલટાઈ પણ શકે છે. પણ પ્રશ્ન થાય છે કે આ શક્ય છે? હાલમાં તો સંભાવના નહિંવત છે, પરંતુ ગમે ત્યારે મોહાંઘ લોકોના મોહભંગ થયા બાદ ચિત્ર બદલાય છે. રાજકારણમાં આ શક્ય છે. વિપક્ષોએ લાંબી કસરત કરવાની જરુર નથી. તેમની પાસે ચૂસ્ત વફાદારો શોધવા પડશે. પાર્ટી માટે નિસ્વાર્થ કામ કરનારા લોકોને એક છત્ર તળે લાવવા પડશે. ભાજપ પાસે આ ક્વોલિટી છે. આ ક્વોલિટી આ પહેલાં કોંગ્રેસ પાસે હતી. કોંગ્રેસના કાર્યકરોમાં જ્યારે “હું નહીં તું”ની ભાવના જાગશે તો અને તો જ પવનની દિશા પલટાશે.