દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ એક વાર ફરીથી લોકોમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. તેજીથી વધી રહેલા મામલાઓને જોતા અનેક રાજ્યોએ પ્રતિબંધની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશે કેટલાંક શહેરોમાં લોકડાઉન લગાવ્યું છે, તો ગુજરાત અને પંજાબમાં નાઇટ કર્ફ્યું. આ સિવાય અનેક રાજ્યોએ મહામારીના સંક્રમણને રોકવા માટે સ્કૂલ-કોલેજોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ દરમ્યાન ઓનલાઇન ધોરણોની સલાહ પણ આપવામાં આવી. અનેક રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓને પણ આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.છત્તીસગઢમાં કોરોના મહામારીના મામલે ભારે ઉછાળાની વચ્ચે ભૂપેશ બધેલ સરકારે તમામ સ્કૂલોને આગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સિવાય 10માં અને 12માંને છોડીને તમામ ધોરણોના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ બઢતી આપવાનો નિર્ણય કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તમામ દિશાનિર્દેશોનું પાલન કરી છત્તીસગઢ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CGBSE) દ્વારા પૂર્વમાં જાહેર કાર્યક્રમ અનુસાર, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ઓફલાઇન થશે.રાજસ્થાન સરકારે જણાવ્યું કે, ‘રાજ્યમાં આગામી આદેશ સુધી તમામ પ્રાથમિક સ્કૂલો બંધ રહેશે. આ સિવાય 25 માર્ચથી રાજ્યમાં પ્રવેશ કરનારા મુલાકાતીઓએ RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાનો રહેશે. આ રિપોર્ટ 72 કલાકથી વધારે જૂનો નહીં હોવો જોઇએ. શહેરના તમામ નગર નિગમોના ક્ષેત્રોમાં 22 માર્ચથી રાત્રિના 10 વાગ્યા બાદ બજાર બંધ રહેશે. રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા અને કુશલગઢમાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવશે.
