World Migratory Bird Day 300 જાતના 14 લાખ પક્ષીઓ પાકિસ્તાન સરહદેથી ભારત આવ્યા
10 મે: ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ
દિલીપ પટેલ
અમદાવાદ, મે 2025
World Migratory Bird Day વર્ષ 2023થી 2025 એમ 2 વર્ષમાં રાજ્યની 4 ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે 14 લાખ 20 હજાર યાયાવર પક્ષીઓ ગુજરાતમાં આવ્યા હતા. આ પક્ષીઓ પાકિસ્તાન અથવા અરબી સમુદ્ર પરથી ઊડીને ગુજરાત આવે છે. એમને સરહદો નડતી નથી.
વર્ષ 2024-25માં 276 પ્રજાતિઓના 6 લાખ 91 હજાર યાયાવર પક્ષીઓ નળસરોવરમાં આવ્યા હતા.
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં સૌથી વધુ 291 પ્રજાતિઓના 5 લાખ 34 હજાર સ્થળાંતરીત પક્ષીઓ નોંધાયા હતા.
પક્ષીઓ મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવે છે.
નળ સરોવર
વર્ષ 2024-25માં 276 પ્રજાતિઓના સૌથી વધુ કુલ 6 લાખ 91 હજાર યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાતે આવ્યા હતા. આ પક્ષીઓમાં મુખ્યત્વે સોવલર, પિન્ટેલ, ગોડવિટ, ગુઝ, પેલિકન, ફ્લેમિંગો, ગર્ગીની, પોચારડ, ઇગલ, ક્રેન, વેડર્સ, સ્ટ્રોક, કૂટ, સ્પૂન બિલ, ઇગ્રેટની વગેરેના પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે.
મધ્ય એશિયાના પથ વે પર આવતા નળ સરોવરને વર્ષ ૧૯૬૯માં પક્ષી અભિયારણ્યનો જ્યારે વર્ષ ૨૦૧૨માં ‘રામસર સાઇટ’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સરોવર અંદાજે 120 ચો. કી.મી વિસ્તારમાં ફેલાયલું છે. દર વર્ષે યાયાવર પક્ષીઓ નળસરોવરમાં આવી રોકાણ કરતા હોવાથી અત્યાર સુધીમાં કુલ ૩૨૮ કરતા વધારે પક્ષીની જાતો નોંધાઈ છે. વન વિભાગ દ્વારા દર બીજા વર્ષે પક્ષીઓની અંદાજીત ગણતરી કરવામાં આવે છે.
ખીજડીયા
જામનગર જિલ્લામાં આવેલા મરીન નેશનલ પાર્ક-ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વર્ષ 2024માં 286 પ્રજાતિઓના 2 લાખ 25 હજાર 169 તેમજ વર્ષ 2025માં સૌથી વધુ 291 પ્રજાતિઓના 3 લાખ 9 હજાર 62 એમ કુલ 5 લાખ 34 હજાર સ્થળાંતરીત પક્ષીઓ મુલાકાતે આવ્યા હતા.
પાણી પર, જમીન પર, ઝાડ પર, કાદવ કીચડ, શિકારી તથા લાંબા પગ પગ વાળા વગેરે પક્ષીઓ જોવા મળે છે.
અત્યાર સુધીમાં કુલ 314 પક્ષીની પ્રજાતિઓ જોવા મળી છે. જેમાં 170 યાયાવર પક્ષીઓ હતા જેમાં સાઈબેરીયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગેલીયા, ઈરાક, ઈરાન, યુરોપ, સાઉથ અમેરિકા વગેરે જેવા દેશોમાંથી આવીને ખીજડીયાના મહેમાન બની અભયારણ્યની શાનમાં વધારો કરે છે.
ભારત સરકાર દ્વારા વર્ષ 1982માં જાહેર કરાયેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર શહેરથી 13 કિ.મી. દૂર છે. જે 5.05 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ અભયારણ્ય મુખ્યત્વે બે ભાગ 1 ધુવાવ તરફ અને ભાગ 2 જાંબુડા તરફ વહેચાયેલું છે.
ઈન્ડો-એશિયન ઉડ્ડયન માર્ગમાં ખીજડીયા મધ્યમાં આવે છે. જે યાયાવર પક્ષીઓ માટે વિસામાનું આદર્શ સ્થળ છે. તેમાંથી કેટલાક યાયાવર પક્ષીઓ સમગ્ર શિયાળા દરમિયાન આ વિસ્તારમાં જ નિવાસ કરે છે. આ અભયારણ્યને વર્ષ 2021માં ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં આવ્યો હતો.
વઢવાણા સરોવર
વઢવાણા સરોવરને વર્ષ 2021માં ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. વર્ષ 2023-24માં 167 પ્રજાતિઓના 58 હજાર 138 તેમજ વર્ષ 2024-25માં 145 પ્રજાતિઓના 54 હજાર 169 યાયાવર પક્ષીઓએ વઢવાણા સરોવરની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્યત્વે નોર્ધન પીન ટેઈલ, કોમન ટીલ, રૂડી શેલડક, ગ્રે લેમ ગ્રીમ, સ્પુન બિલ્સ, પોન્ડ હેરોન, ગ્રેટર હેરોન, કોરમોરન્ટ, ડાર્ટર, સ્પોટ બીલ ડક, બ્લેક ટેલ ગોડબીટ, વેઈન્ટેડ સ્ટોર્ક, નોર્ધન શોવેલર, કુટ, બ્લેક વિન્મડ સ્ટીલ્ટ, રોસી સ્ટાર્લીંગ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે.
થોળ
વર્ષ 2021થી ‘રામસર સાઈટ’નો દરજ્જો ધરાવતા થોળ વન્યજીવ અભયારણ્યમાં વર્ષ 2024માં 74 પ્રજાતિઓના 55 હજાર 587 તેમજ વર્ષ 2025માં 59 પ્રજાતિઓના 26 હજાર 162 યાયાવર પક્ષી આવ્યા હતા.
રામસર સાઇટ્સ
ભારતની કુલ 89 રામસર સાઇટ્સમાંથી 4 રામસર સાઇટ્સ ગુજરાતમાં આવેલી છે. જેમાં, નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, ખીજડિયા વન્યજીવ અભયારણ્ય અને વઢવાણા વેટલેન્ડ છે.
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડીયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કન્ઝર્વેશન રિઝર્વ, કચ્છનું નાનું રણ-ઘુડખર અભયારણ્ય, કચ્છનું મોટું રણ- કચ્છ રણ અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે.