IIT મદ્રાસના પૂર્વ વિદ્યાર્થીઓએ 3D પ્રિન્ટરથી માત્ર 5 દિવસની અંદર સિમેન્ટ કોન્ક્રીટનું ઘર બનાવ્યું છે. ચેન્નાઈ કેમ્પસમાં 600 વર્ગફૂટ એરિયામાં એક માળનું ઘર બનાવવામાં સામાન્ય નિર્માણ ખર્ચ કરતાં આશરે 30% ખર્ચ ઓછો થયો. મહત્ત્વની વાત તો એ છે કે, આઈડિયા, ડિઝાઈનથી લઈને ફિનિશ્ડ ઘર બનાવવાની દરેક વસ્તુ મેડ ઇન ઇન્ડિયા છે. હાઉસિંગ ક્ષેત્રમાં આને ક્રાંતિકારી ટેક્નિક માનવામાં આવે છે. ભવિષ્યમાં સસ્તા અને મજબૂત ઘર બનાવવા માટે બિલ્ડને બદલે પ્રિન્ટ શબ્દનો ઉપયોગ થઇ શકે છે. ઘર બનાવવા માટે વિશાળ 3D પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કમ્પ્યુટરાઈઝ્ડ થ્રી ડાયમેંશનલ ડિઝાઈન ફાઈલને સ્વીકારી આઉટપુટ આપે છે. મટિરિયલમાં તેમાં સિમેન્ટ, કોન્ક્રીટનો ઉપયોગ કર્યો હતો. આ ટેક્નિક IIT મદ્રાસના મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ત્રણ પૂર્વ વિદ્યાર્થીઓ આદિત્ય વીએસ, વિદ્યાશંકર સી અને પરિવર્તન રેડ્ડીએ વિકસિત કરી છે. તેમણે ઘરના અલગ-અલગ ભાગ વર્કશોપમાં પ્રિન્ટ કર્યા અને પછી ક્રેનની મદદથી ચેન્નાઈ કેમ્પસમાં જોડ્યા. 600 વર્ગફૂટમાં બનેલા આ ઘરમાં બેડરૂમ, હોલ, કિચન અને અન્ય જરૂરી ભાગ છે. આ ટેક્નિકથી પ્રદૂષણ ઓછું થશે.
