2020માં કોરોનાકાળને કારણે તમામ ઈન્ડસ્ટ્રી પર માઠી અસર થઈ છે. જોકે કેટલીક ઈન્ડસ્ટ્રીને ફાયદો પણ થયો છે. તેમાં રિસ્ટેબલ ઈન્ડસ્ટ્રી સામેલ છે. ભારતમાં સ્માર્ટવોચ અને બેન્ડ અર્થાત રિસ્ટેબલ માર્કેટે ગત વર્ષે 3800 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કર્યો છે. techARCના રિપોર્ટ પ્રમાણે, દેશમાં કુલ 54 લાખ રિસ્ટેબલ યુનિટનાં શિપમેન્ટ થયાં છે. ચાઈનીઝ કંપની શાઓમી અને રિયલમી કેલેન્ડર યરમાં વોલ્યુમ અને વેલ્યુ માટે ટોપ 5માં લીડર્સ રહી છે. સ્માર્ટ એક્સેસરીઝ બ્રાન્ડ નોઈસ 2020માં વોલ્યુમ પ્રમાણે લિસ્ટમાં ત્રીજા નંબરે છે. જોકે રેવન્યૂમાં એપલ અને સેમસંગે બાજી મારી છે. ટેકઆર્કના ફાઉન્ડર અને ચીફ એનાલિસ્ટસ ફૈઝલ કાવોસાએ કહ્યું કે, રિસ્ટેબલ હેલ્થ અને ફિટનેસ ટ્રેકિંગ માટે યુઝર્સ માટે ઈમ્પોર્ટન્ટ ગેજેટ બન્યું છે. ફોનમાં આવતા નોટિફિકેશન્સ અને મેસેજ પણ તેમાં જોઈ શકાય છે તેથી વારંવાર સ્માર્ટફોન અનલોક કરવાની પણ જરુર રહેતી નથી. માત્ર રિપ્લાય આપવા માટે ફોનની જરૂર પડે છે. કોરોનાને કારણે ફિટ રહેવા માટે લોકડાઉનમાં ફિટનેસ ડિવાઈસની ખરીદી 55% વધી ગઈ. સેન્સર ટાવરના રિપોર્ટ પ્રમાણે, ફિટનેસ એપ ડાઉનલોડિંગમાં 47%ની વૃદ્ધિ જોવા મળી. આ દરમિયાન 65.6 કરોડ લોકોએ ફિટનેસ એપ ડાઉનલોડ કરી. મે 2020માં આશરે 34 લાખ લોકોએ સ્ટ્રાવા એપ ડાઉનલોડ કરી. ગત વર્ષે 7 કરોડથી વધારે લોકોએ ફિટ રહેવા માટે સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડની ખરીદી કરી. 2019ની સરખામણીએ આ આંકડો 33% વધારે છે.
