કોરોનાની બીજી લહેર ભારતમાં હજારો લોકોને ભરખી ગઈ છે અને દરેક રાજ્યોમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા વધારે છે. આ મહામારી વચ્ચે એક ઘટનામાં કોરોનાથી મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર કરી દીધા બાદ તે ઘરે પાછી ફરતા પરિવારજનો પણ હેરાન થઈ ગયા હતા. આ ઘટના આંધ્રપ્રદેશમાં બની છે. જ્યાં કોરોનાથી 75 વર્ષની મહિલાનું મોત થયું હતું અને આમ છતા પાછળથી ખબર પડી હતી કે તે હેમખેમ છે.ગિરજાઅમ્મા નામની મહિલા કોરોનાથી સંક્રમિત થયા બાદ 12 મેના રોજ તેને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના પતિ 15 મેના રોજ તેને મળવા પહોંચ્યા ત્યારે મહિલા બેડ પર નહોતી. હોસ્પિટલના સ્ટાફે કહ્યું હતું કે, તેને બીજા વોર્ડમાં શિફટ કરાઈ છે. એ પછી તમામ વોર્ડમાં તપાસ કર્યા બાદ પણ મહિલાનો પતો લાગ્યો નહોતો.હોસ્પિટલના કર્મચારીઓએ પરિવારજનોને કોલ્ડરુમમાં તપાસ કરવા માટે કહ્યું હતું કે, જ્યારે ગિરજાઅમ્માના પતિ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને પોતાની પત્ની જેવો જ એક મૃતદેહ નજરે પડ્યો હતો. તેમણે કર્મચારીને કહ્યું હતું કે, મારી પત્નીનો મૃતદેહ અહીંયા છે. એ પછી તેમની પત્નીના નામનું ડેથ સર્ટિફિકેટ બનાવાયું હતું અને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો. એ પછી ગિરિજાઅમ્મા ઘરે પહોંચતા પરિવારજનો હેરાન થઈ ગયા હતા. તેમના પતિને તો થોડા સમય માટે પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થયો.
