અખા ત્રીજના પાવનપર્વએ મંગળવારે ગંગોત્રી અને યમુનોત્રીનાં કપાટ ખુલવાની સાથે ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલયી ક્ષેત્રમાં સ્થિત ચારધામોની યાત્રાની શરૂઆત થશે. કેદારનાથ ધામના કપાટ જ્યાં 9 મેએ ખુલશે, તો બદ્રીનાથ મંદીરના કપાટ 10 મેએ ખૂલશે. ઉત્તરકાશી જીલ્લામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી મંદિરના કપાટ મંગળવારે સવારે 11.30 કલાકે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે, તો યમનોત્રી ધામના કપાટ રોહિણી નક્ષત્રમાં બપોરે 1.15 વાગ્યે ખોલાશે.
ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલે જણાવ્યુ હતુકે, સોમવારે બપોરે 12.35 વાગ્યે મા ગંગાની ઉત્સવ ડોલી તેના શીતકાલીન પ્રવાસ મુખબા ગામથી ગંગોત્રી ધામ માટે રવાના થઈ ગઈ છે. જ્યારે યમુનોત્રી મંદિર સમિતીનાં સચિવ કૃતેશ્વર ઉનિયાલ મુજબ, મા યમુનાની ડોલી મંગળવારે સવારે નવ વાગ્યે તેના શીતકાલીન પ્રવાસ ખરસાલી ગામમાંથી યમુનોત્રી ધામ માટે રવાના થશે. આ વચ્ચે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે દેશ-વિદેશમાંથી ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓનું રાજ્યમાં સ્વાગત કર્યુ છે. અને કહ્યુ છેકે, તેમની સુખ-સુવિધા અને સુરક્ષાનું પુરુ ધ્યાન રાખવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, શિયાળામાં ભારે હિમવર્ષા અને ભીષણ ઠંડીને કારણે ચારધામના કપાટ દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવે છે. જેને આગલા વર્ષે એપ્રિલ-મેમાં ફરીથી ખોલવામાં આવે છે.