YES બેંકના ખાતાધારકો માટે એક મહત્વના સમાચાર છે. યસ બેંકના આર્થિક સંકટ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જણાવ્યું કે, કાનૂની જોગવાઈઓ પ્રમાણે SBI યસ બેંકના 49 ટકા શેર ખરીદી શકે છે. શનિવારે જ મુંબઈમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં SBIના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું કે, SBI યસ બેંકમાં 2450 કરોડ રુપિયાનું રોકાણ કરી શકે છે.
SBIના ચેરમેને વધુમાં જણાવ્યું કે, અમારી લીગટ ટીમ રોકાણની યોજના પર કામ કરી રહી છે. અમે સ્ટોક એક્સચેન્જને જણાવી દીધુ છે કે, SBI યસ બેંકમાં 49 ટકા ભાગીદારી ખરીદવાનો વિચાર કરી રહી છે. જો કે તેમણે જણાવ્યું કે, આ રોકાણ અંગેનો અંતિમ નિર્ણય SBIનું બોર્ડ નક્કી કરશે.
રજનીશ કુમારે જણાવ્યું કે, યસ બેંકના ખાતાધારકોએ ગભરાવવાની જરૂર નથી. તેમના રુપિયા સુરક્ષિત છે. થોડા દિવસોની વાત છે, ખાતા ધારકોનું સંકટ ટળી જશે. SBI ચેરમેને જણાવ્યું કે, જે લોકો SBIમાં રોકાણ કરવા માંગે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. અમારો પ્રયત્ન છે કે, રોકાણ યોજનાને રિઝર્વ બેંકની સમય મર્યાદા પહેલા જ પાસ કરાવી દેવામાં આવે.