ઈડીએ યસ બેન્કના સંકટ મામલે અનિલ અંબાણીને સમન પાઠવ્યું છે. તેમને યસ બેન્ક તરફથી આપવામાં આવેલી લોન અંગે પૂછપરછ કરવા માટે મુંબઈમાં ઈડીના અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અનિલ અંબાણીએ સ્વાસ્થ્ય સંબંધીત તકલીફ હોવાનો હવાલો આપતા થોડા વધુ સમયની માગ કરી છે. હવે ઈડી સોમવારના રોજ બીજુ સમન જાહેર કરશે.
નોંધનીય છે કે, સંકટગ્રસ્ત યસ બેન્કે ડિસેમ્બર 2019માં પૂર્ણ થયેલ ત્રિમાસિકમાં તેમને 18,564 કરોડ રૂપિયાની ખોટ થઈ હોવાની જાણકારી શનિવારના રોજ આપી હતી. પ્રાઈવેટ સેક્ટરની આ બેન્કનું સંચાલન હાલમાં ભારતીય રિઝર્વ બેન્કના આદેશ પર પ્રશાંત કુમાર કરી રહ્યા છે. બેંકે ગયા વર્ષે આ જ સમયગાળામાં 1,000 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો અને સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થયેલ ત્રિમાસિક 629 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.
યસ બેન્કની એનપીએ ડિસેમ્બર ત્રિમાસિકમાં 18.87 ટકા થઈ ગઈ છે જે સપ્ટેમ્બરની ત્રિમાસિકમાં 7.39 ટકા હતી. આ સાથે જ બેંકની પાસે જરૂરિયાત પ્રમાણે રાખવામાં આવેલી રોકડ રકમમાં પણ ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજૂરી પ્રાપ્ત યોજના અંતર્ગત કુમાર બેન્કના નવા મુખ્ય કાર્યકારી અને મેનેજિંગ ડાયરેક્ટર બની શકે છે.