ગુજરાત સહિત દેશભરમાં ટીવી જોતાં લોકો માટે ખરાબ સમાચાર એ છે કે 29મી ડિસેમ્બરથી દરેક ચેનલ જોવા માટે દર્શકોએ વધારે રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાઈ અને સુપ્રીમ કોર્ટના આદેશનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને આ આદેશ પ્રમાણે દરેક ટેનલ પ્રમાણે હવે દર્શકોએ રૂપિયા ચૂકવવાનો વારો આવશે. તમારી મનગમતી ચેનલને જોવા માટે ખિસ્સા હળવા કરવા મોદી સરકારે આવો કિમિયો શોધી કાઢયો હોવાનો સૂર લોકો વ્યક્ત કરી રહ્યા છે.
નવા નિયમ પ્રમાણે ટીવી પર ચેનલ જોતાં દર્શકોને બેવડો માર મારવામાં આવી રહ્યો છે. સિંગલ ટીવી અને ચેનલના પેકેજ માટે એમ બેવડી રીતે વાયા ટ્રાઈ સરકાર રૂપિયા ઉસેટવા પ્રયત્નશલી હોવાનું લાગી રહ્યું છે. નવા નિયમમાં ગ્રાહકોને સીધી રીતે નુકશાન છે તો કેબલ ઓપેરટરની કમ્મર ભાંગીને ભૂક્કો થઈ જવાની છે. જે લોકો ટીવી જોવા ખાતર જૂએ છે તેમને કોઈ નુકશાન થવાનો નથી પરંતુ જે લોકો ચેનલો જોવાની ટેવ ધરાવે છે, ચેનલો પર સિરિયલ જોયા વગર જેમને ચાલતું નથી તેમના ગજવામાંથી વધારાના રૂપિયા કાઢવા જેવી મોદી સરકારની નીતિ હોવાનું કેબલ ઓપરેટર દિપકભાઈ જણાવી રહ્યા છે.
દિપકભાઈને કહેવા પ્રમાણે સરકારે દરેક ચેનલના ભાવ નક્કી કરવાની સત્તા ચેનલવાળાને આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો તો તેનું અમલીકરણ ટ્રાઈએ કર્યું અને ચેનલને ભાવ નક્કી કરવાનું સોંપી દીધું. સિંગલ ચેનલનાં ભાવ 19 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. હવે કોઈએ પણ સિંગલ ચેનલમાં માત્ર સ્ટાર ટીવી જોવાની હોય તો તેને અલગથી રૂપિયા આપવાના રહેશે. કોઈ ચેનલને ભાવ 2 રૂપિયા, તો કોઈના ભાવ 10 રૂપિયા આપવા ગ્રાહકોને મજબૂર કરી દેવામાં આવ્યા છે.
હકીકત જોવા જઈએ તો દરેક ચેનલના ભાવ પાંચ-પાંચ રૂપિયા માસિક રાખવાની વાત કરવામાં આવી હતી પરંતુ ટ્રાઈ મારફત સરકારે દરેક ચેનલને અલગ અલગ ભાવ નક્કી કરવાનું સોંપી દીધું તો પાંચ રૂપિયા રાખવાના કાયદાને સીધી રીતે ગળે ટૂંપો દેવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. માત્ર સામાન્ય ચેનલો જ નહી પણ D2H સર્વિસ પણ નવા નિયમોની અડફેટમાં આવી જવા પામી છે.
ટ્રાઈએ કહ્યું કે દર્શકોને નક્કી કરવા દે કે કઈ ચેનલ જોવી છે તો ચેનલના ભાવ અલગ અલગ રાખવા દેવાની છૂટ ક્યા આધારે આપવામાં આવી છે. ચેનલવાળા પોતાની રીતે ભાવ લઈ રહ્યા છે. ખાસ કરીને સ્ટાર, સોની અને ઝી જેવી ચેનલોના ભાવનું પેકેજ લેવા માટે ગ્રાહકોને રીતસર લૂંટવાનો ધંધો કરવામાં આવી રહ્યો છે. જો સોની ટીવીનું પેકેજ લેવું હોય તો 130 રૂપિયા અને જીએસટી સાથે 155 રૂપિયા ચૂકવવા પડે અને ત્યાર બાદ જો સ્ટાર કે ઝી ટીવીનું પેકેજ લેવાનું હોય તો એના માટે ચેનલ દીઠ અલગથી રૂપિયા ચૂકવવાનાં રહે છે. અગાઉ 250થી 300 રૂપિયામાં એક સામટી 300 ચેનલો જોવા મળતી હતી પણ હવે 250 કે 300 રૂપિયામાં બધી જ ચેનલો નહીં પણ મેઈન મેઈન ચેનલો જ જોઈ શકાશે અને એ પણ તેનું ભાડું ભરો તો અને તો જ.
મહત્વની વાત એ છે કે ઓપરેટરોની સિસ્ટમ પણ આનાથી કચડાઈ જવાની શક્યતા છે. કેબલ ઓપરેટરો પાસે હાલ 10-15 માણસો કામ કરી રહ્યા હતા તેના બદલે હવે કેબલ ઓપેરટર્સે માણસ રાખવાની જરૂર રહેશે નહી અને એટલા માણસો બેરોજગાર બનશે પણ એટલું જ નિશ્ચિત લાગી રહ્યું છે.
આ ઉપરાંત હાલ દેશમાં જે બ્રોડકાસ્ટરો છે તેમાં ઝી ટીવીને છોડીને બધા જ બ્રોડકાસ્ટરો વિદેશી કંપનીઓનાં માલિકાપણા હેઠળ છે, એક માત્ર ઝી ટીવી જ ભારતીય બ્રોડકાસ્ટર છે. નવા નિયમ જોતાં મોદી સરકાર વિદેશી કંપનીઓને ફાયદો કરાવી રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.