ઈરાનના પરમાણુ બોમ્બના ‘કાચા માલ’ પર દુનિયામાં ખળભળાટ! રશિયા સાચવવા તૈયાર, પણ અમેરિકાની આકરી શરતે વધાર્યું ટેન્શન
મધ્ય પૂર્વમાં 40 દિવસના ભીષણ જંગ અને ત્યારબાદ બે અઠવાડિયાના સીઝફાયર પછી હવે દુનિયાની નજર ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ટકેલી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની બેઠક કોઈ નક્કર પરિણામ વગર પૂરી થયા બાદ ફરી એકવાર વિવાદ વકર્યો છે. આ વખતે વિવાદનું મુખ્ય કેન્દ્ર છે – ઈરાન પાસે રહેલો ‘એનરિચ્ડ યુરેનિયમ’નો જથ્થો, જેને પરમાણુ બોમ્બ બનાવવાનો કાચો માલ માનવામાં આવે છે.
શું છે યુરેનિયમનો વિવાદ અને રશિયાની ભૂમિકા?
ઈરાને તાજેતરમાં પ્રસ્તાવ મૂક્યો છે કે તે પોતાના પરમાણુ કાર્યક્રમને 5 વર્ષ માટે સ્થગિત (Suspend) કરવા તૈયાર છે. પરંતુ સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે અત્યારે ઈરાન પાસે જે સંવર્ધિત યુરેનિયમ છે તેનું શું કરવું? રિપોર્ટ્સ અનુસાર, ઈરાન પાસે અત્યારે આશરે 450 કિલોગ્રામ 60 ટકા શુદ્ધ એનરિચ્ડ યુરેનિયમ છે. નિષ્ણાતોના મતે આ જથ્થો માત્ર થોડા જ અઠવાડિયામાં ‘વેપન ગ્રેડ’ (પરમાણુ હથિયાર બનાવવા લાયક) બની શકે છે અને તેનાથી 10 કરતા વધુ પરમાણુ બોમ્બ બનાવી શકાય છે.
આ ગંભીર સ્થિતિમાં રશિયાએ મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની તૈયારી બતાવી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ યુરેનિયમના જથ્થાને રશિયામાં સુરક્ષિત રાખવા માટે તૈયાર છે. રશિયાનું માનવું છે કે જો આ કાચો માલ ઈરાનમાંથી હટાવીને રશિયા મોકલી દેવામાં આવે, તો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ટળી શકે છે.
એનરિચ્ડ યુરેનિયમ: વીજળી માટે કે બોમ્બ માટે?
ઈરાન સતત દાવો કરતું આવ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ માત્ર મેડિકલ સંશોધન અને વીજળી ઉત્પાદન જેવા શાંતિપૂર્ણ હેતુઓ માટે છે. જોકે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો સામાન્ય પાવર પ્લાન્ટ ચલાવવા માટે માત્ર 3 થી 5 ટકા સુધીનું યુરેનિયમ સંવર્ધન પૂરતું હોય છે. જ્યારે ઈરાન અત્યારે 60 ટકા સુધી પહોંચી ગયું છે. જો આ આંકડો 90 ટકાને વટાવી જાય, તો તે સીધો પરમાણુ બોમ્બ બનાવવામાં વાપરી શકાય છે. જો આ સ્ટોક ઈરાનમાંથી બહાર નીકળી જાય, તો ઈરાન પરમાણુ શક્તિ બનવાની રેસમાં અનેક વર્ષો પાછળ ધકેલાઈ જશે.
અમેરિકાની ‘નો કોમ્પ્રોમાઈઝ’ નીતિ
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની 5 વર્ષની ઓફરને સદંતર ફગાવી દીધી છે. ટ્રમ્પ પ્રશાસનની શરતો અત્યંત કડક છે:
- કાયમી પ્રતિબંધ: અમેરિકા ઈચ્છે છે કે ઈરાન આગામી 20 વર્ષ કે તેથી વધુ સમય માટે કોઈ પણ પ્રકારનું યુરેનિયમ સંવર્ધન ન કરે.
- સંપૂર્ણ સફાયો: ઈરાનમાં રહેલો તમામ યુરેનિયમનો સ્ટોક દેશની બહાર કાઢવામાં આવે અને પ્લાન્ટ્સને કાયમી તાળા લાગે.
ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી ઈરાન કાયમી રોક માટે તૈયાર નહીં થાય અને તેનો જૂનો સ્ટોક નષ્ટ કે બહાર નહીં મોકલાય, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સમજૂતી શક્ય નથી.
રશિયા અને અમેરિકા વચ્ચે ખેંચતાણ
રશિયા ઈરાનનો જૂનો મિત્ર છે અને દુનિયામાં સૌથી વધુ પરમાણુ હથિયારો ધરાવતો દેશ છે. રશિયા આ મુદ્દે મધ્યસ્થી બનીને પોતાની વૈશ્વિક તાકાત બતાવવા માંગે છે. પરંતુ અમેરિકાને ડર છે કે જો યુરેનિયમ રશિયા પાસે જશે, તો પણ તે એક પ્રકારે પશ્ચિમી દેશો માટે જોખમ જ રહેશે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો પ્રસ્તાવ હજુ પણ ટેબલ પર છે, પરંતુ અમેરિકાના નકારાત્મક વલણને કારણે ગાડી આગળ વધી રહી નથી.

