FIFA વર્લ્ડ કપ 2026: ફૂટબોલ જગતમાં મોટો ઉલટફેર! ઈટાલી સતત ત્રીજી વખત બહાર, વર્લ્ડ કપની તમામ 48 ટીમોનું લિસ્ટ જાહેર
ફૂટબોલ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે FIFA વર્લ્ડ કપ 2026 હવે ગણતરીના મહિનાઓ જ દૂર છે. આ વખતે વર્લ્ડ કપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોની સંયુક્ત યજમાનીમાં રમાશે. જોકે, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ એક એવા સમાચાર આવ્યા છે જેણે રમત જગતને ચોંકાવી દીધું છે. ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈટાલી સતત ત્રીજી વખત વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. આ સાથે જ મેગા ઈવેન્ટ માટેની તમામ 48 ટીમો અને તેમના ગ્રુપ નક્કી થઈ ગયા છે.
ઈટાલીનો કરુણ અંશ: બોસ્નિયા સામે હારતા સર્જાયો ઈતિહાસ
ફૂટબોલની દુનિયામાં ઈટાલી જેવી જાયન્ટ ટીમનું બહાર થવું એ કોઈ સપના જેવું લાગે છે. યુરોપિયન પ્લેઓફમાં ઈટાલીનો મુકાબલો રેન્કિંગમાં 66માં સ્થાને રહેલા બોસ્નિયા હર્ઝેગોવિના સામે હતો. આ મેચ અત્યંત રોમાંચક રહી હતી અને અંતે પેનલ્ટી શૂટઆઉટ સુધી ખેંચાઈ હતી.
શૂટઆઉટમાં ઈટાલીના પિયો એસ્પોસિટો અને બ્રાયન ક્રિસ્ટાન્ટે પેનલ્ટી ગોલ કરવામાં ચૂકી ગયા હતા, જ્યારે બોસ્નિયાના અમેરિકન મૂળના ખેલાડી એસ્મિર બાજરાક્ટારેવિકે નિર્ણાયક પેનલ્ટી ગોલમાં ફેરવીને બોસ્નિયાને 4-1 થી ઐતિહાસિક જીત અપાવી હતી. વર્ષ 2014 પછી પ્રથમ વખત અને પોતાના ઈતિહાસમાં બીજી વખત બોસ્નિયાએ વર્લ્ડ કપમાં જગ્યા બનાવી છે. બીજી તરફ, ઈટાલીના ખેલાડીઓ અને ચાહકો માટે આ સતત ત્રીજો આઘાત છે.
11 જૂનથી ફૂટબોલનો મહાકુંભ શરૂ થશે
FIFA વર્લ્ડ કપ 2026 નો પ્રારંભ 11 જૂનથી થશે. આ વખતે ટૂર્નામેન્ટમાં અનેક નવા ફેરફારો કરવામાં આવ્યા છે:
- ટીમોની સંખ્યા: આ વખતે કુલ 48 ટીમો ભાગ લેશે, જેમને 12 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
- કુલ મેચો: ફાઈનલ સુધીમાં કુલ 104 મેચો રમાશે.
- યજમાન શહેરો: ત્રણેય દેશોના કુલ 16 શહેરોમાં મેચોનું આયોજન કરવામાં આવ્યું છે.
- યજમાનીની વહેંચણી: અમેરિકા સૌથી વધુ 78 મેચો હોસ્ટ કરશે, જ્યારે કેનેડા અને મેક્સિકોના ફાળે 13-13 મેચો આવી છે.
- ફાઈનલ: ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 જુલાઈ ના રોજ ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાશે.
FIFA વર્લ્ડ કપ 2026 ના તમામ 12 ગ્રુપ
વર્લ્ડ કપની તમામ 48 ટીમોના નામ નક્કી થઈ ગયા છે. અહીં જુઓ કયું ગ્રુપ કેટલું મજબૂત છે:
| ગ્રુપ | ટીમો |
| ગ્રુપ A | મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, ચેકિયા |
| ગ્રુપ B | કેનેડા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કતાર, સ્વિટ્ઝર્લેન્ડ |
| ગ્રુપ C | બ્રાઝિલ, મોરોક્કો, હૈતી, સ્કોટલેન્ડ |
| ગ્રુપ D | અમેરિકા, પેરાગ્વે, ઓસ્ટ્રેલિયા, તુર્કી |
| ગ્રુપ E | જર્મની, કુરાકાઓ, આઈવરી કોસ્ટ, ઈક્વાડોર |
| ગ્રુપ F | નેધરલેન્ડ, જાપાન, સ્વીડન, ટ્યુનિશિયા |
| ગ્રુપ G | બેલ્જિયમ, ઇજિપ્ત, ઈરાન, ન્યૂઝીલેન્ડ |
| ગ્રુપ H | સ્પેન, કેપ વર્ડે, સાઉદી અરેબિયા, ઉરુગ્વે |
| ગ્રુપ I | ફ્રાન્સ, સેનેગલ, નોર્વે, ઇરાક |
| ગ્રુપ J | આર્જેન્ટિના, અલ્જેરિયા, ઓસ્ટ્રિયા, જોર્ડન |
| ગ્રુપ K | પોર્ટુગલ, DR કોંગો, ઉઝબેકિસ્તાન, કોલંબિયા |
| ગ્રુપ L | ઈંગ્લેન્ડ, ક્રોએશિયા, ઘાના, પનામા |
યુરોપિયન પ્લેઓફમાં અન્ય પરિણામો
ઈટાલી સિવાય યુરોપિયન પ્લેઓફમાં સ્વીડન, તુર્કી અને ચેક રિપબ્લિકે પણ પોતાની ફાઈનલ જીતીને વર્લ્ડ કપ માટે ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. આ વખતે એશિયા અને આફ્રિકાના દેશોની સંખ્યા પણ વધી છે, જે ફૂટબોલને વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય બનાવશે.

