જામનગર ટાઉનહોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન યોજાયું, મહિલા સશક્તિકરણનો પ્રેરણાદાયક સંદેશ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

કલેકટર કેતન ઠક્કરના વિચારથી અનોખી પહેલ, સમગ્ર મહિલા દિવસ કાર્યક્રમનું સંચાલન મહિલાઓ દ્વારા

જામનગરના ટાઉનહોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અધ્યક્ષસ્થાને ‘મહિલા સંમેલન’ યોજાયું હતું. આ વર્ષની થીમ “Rights. Justice. Action. For ALL Women and Girls” હેઠળ આયોજિત આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, કલેક્ટર કેતન ઠક્કરના વિચાર મુજબ આખા કાર્યક્રમનું સંચાલન માત્ર મહિલા અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની આ અનોખી પહેલે નારી શક્તિ અને નેતૃત્વનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સફળતાની પ્રેરક વાતો

કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવીને આત્મનિર્ભર બનેલી મહિલાઓએ પોતાની સફળતાની ગાથા રજૂ કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ‘દીકરી વધામણા કીટ’, ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી પત્રો અને રમતગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નાની બાળકીઓના હસ્તે કેક કપાવીને આ દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત બહેનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરી તેમને આર્થિક અને સામાજિક રીતે પગભર થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

jamnagar international women day mahila sammelan 2.jpeg

- Advertisement -

દરેક ક્ષેત્રમાં મહિલાઓનું નેતૃત્વ અને સર્વાંગી વિકાસ

ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાએ જણાવ્યું હતું કે, આજે મહિલાઓ શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગ સહિતના દરેક ક્ષેત્રમાં મોખરે છે. સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, તેના કારણે તેમને નવી તકો મળી રહી છે. સમાજના વિકાસ માટે મહિલાઓની ભાગીદારી અનિવાર્ય છે. જ્યારે મહિલાઓ સશક્ત બનશે ત્યારે જ રાષ્ટ્રનો સાચો વિકાસ થશે. તેમણે બહેનોને સ્વરોજગાર અને શિક્ષણ દ્વારા પોતાની ઓળખ બનાવવા આહવાન કર્યું હતું.

jamnagar international women day mahila sammelan 1.jpeg

- Advertisement -

મહિલાઓના સમાન અધિકાર અને સામાજિક સન્માનનો સંકલ્પ

નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડે સ્ત્રી શક્તિને બિરદાવતા કહ્યું હતું કે, મહિલાઓ માત્ર પરિવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાષ્ટ્રના નિર્માણમાં પણ તેમનો મોટો ફાળો છે. સ્ત્રીઓ પહેલેથી જ શક્તિશાળી છે, તેમણે માત્ર પોતાની ક્ષમતાને ઓળખીને બહાર લાવવાની જરૂર છે. આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ મહિલાઓને સમાજમાં સમાન અધિકાર અને આદર મળે તે માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમે જામનગરની મહિલાઓમાં નવો આત્મવિશ્વાસ જગાડવાનું કામ કર્યું છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.