સૌરાષ્ટ્ર કેન્સર કેર ઇન્સ્ટિટ્યુટના સહયોગથી આશા બહેનો માટે કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન
ભારતમાં નોન-કોમ્યુનિકેબલ ડીઝીસ (NCD) એટલે કે બિન-ચેપી રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સમાજમાં છુપાયેલા કેસોને વહેલી તકે શોધી કાઢવા માટે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મુખ્યત્વે આરોગ્ય સેતુ સમાન આશા બહેનોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
કેમ્પની મુખ્ય વિગતો અને નિદાન
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને સૌરાષ્ટ્ર કેન્સર કેર (SCCRI) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં ૩૦ વર્ષથી વધુ ઉંમરની ૧૩૪ આશા બહેનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં નીચે મુજબના પરિણામો જોવા મળ્યા:
-
બ્રેસ્ટ કેન્સર: ૦૬ બહેનોમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા મેમોગ્રાફી માટે રીફર કરાયા.
-
સર્વાઇકલ અને ઓરલ કેન્સર: સર્વાઇકલ કેન્સરનો ૧ અને ઓરલ કેન્સરનો ૧ શંકાસ્પદ કેસ મળી આવ્યો.
-
HPV DNA ટેસ્ટ: ગર્ભાશયના કેન્સરના જોખમને ઓળખવા માટે અત્યંત જરૂરી એવા HPV DNA ટેસ્ટ પણ કરવામાં આવ્યા.
-
અન્ય તપાસ: ૯૯ બહેનોની હાઇપરટેન્શન (બ્લડ પ્રેશર) અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી.
વહેલું નિદાન: આર્થિક અને શારીરિક ફાયદા
સામાન્ય રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ પ્રકારના કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ માટે ₹૫,૦૦૦ થી ₹૬,૦૦૦ જેટલો ખર્ચ થતો હોય છે, જે આ કેમ્પમાં સંપૂર્ણ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. કેન્સર જેવા રોગમાં વહેલું નિદાન એ જ સૌથી શ્રેષ્ઠ સારવાર છે, કારણ કે જો પ્રથમ તબક્કે જ રોગ પકડાઈ જાય તો જીવ બચાવવાની શક્યતા અનેકગણી વધી જાય છે.
જિલ્લા વહીવટી તંત્રનું માર્ગદર્શન
જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ અને ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં આ પ્રકારના કેમ્પ યોજવાનું આયોજન છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. ફુલમાલીએ જણાવ્યું કે, આશા બહેનો પોતે સ્વસ્થ રહેશે તો જ તેઓ સમાજમાં આરોગ્યની જાળવણી વધુ સારી રીતે કરી શકશે.
આ ઝુંબેશ દ્વારા કેન્સરના છુપાયેલા કેસોને શોધી તેમને સમયસર સારવાર પૂરી પાડીને મૃત્યુદર ઘટાડવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

