બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પહેલ, રાજકોટમાં આંગણવાડી કેન્દ્રો બન્યા સ્માર્ટ અને ચાઈલ્ડ-ફ્રેન્ડલી
રાજકોટ જિલ્લામાં બાળકોના સર્વાંગી વિકાસ અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણને નવી ઊંચાઈએ લઈ જવા માટે “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારની આઈ.સી.ડી.એસ. (ICDS) યોજના હેઠળ ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન ચાલનારા આ અભિયાનમાં જિલ્લાના ૯૭૮ કેન્દ્રોને આધુનિક અને ચાઈલ્ડ-ફ્રેન્ડલી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ગ્રાન્ટનું આયોજન અને માળખાકીય સુધારા
આ ઝુંબેશમાં વિવિધ સ્ત્રોતો દ્વારા મળતી ગ્રાન્ટનો સમન્વય કરીને આંગણવાડીઓને સ્માર્ટ બનાવવામાં આવી રહી છે:
-
ગ્રાન્ટના સ્ત્રોત: નાના-મોટા સમારકામ માટેની સરકારી ગ્રાન્ટ, જિલ્લા સ્વભંડોળની બ્યુટિફિકેશન ગ્રાન્ટ અને PGVCL CSR ગ્રાન્ટનો ઉપયોગ.
-
નવીનીકરણના કાર્યો: આકર્ષક કલરકામ, આંતરિક અને બાહ્ય સફાઈ, તેમજ જરૂરિયાત મુજબના સમારકામ.
-
નવા બાંધકામ: જૂની બચત ગ્રાન્ટમાંથી આયોજન કરાયેલ ૧૬૯ કેન્દ્રો પૈકી ૯૨ આંગણવાડીઓમાં નવા મકાનોનું બાંધકામ પ્રગતિ હેઠળ છે.
BaLA પેઇન્ટિંગ: રમતા-રમતા શિક્ષણ
આ ઝુંબેશની સૌથી મહત્વની વિશેષતા ‘Building as Learning Aid’ (BaLA) પેઇન્ટિંગ છે. આ પદ્ધતિમાં આંગણવાડીની દિવાલો, ફ્લોર અને બારી-બારણાંનો ઉપયોગ શૈક્ષણિક સાધન તરીકે કરવામાં આવે છે. આકર્ષક ચિત્રો અને રંગો દ્વારા બાળકોને મૂળાક્ષરો, અંકો અને પર્યાવરણનું જ્ઞાન રમત-ગમત સાથે આપવામાં આવે છે.
સ્માર્ટ અને ચાઈલ્ડ-ફ્રેન્ડલી અભિગમ
જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર (ICDS) દ્વારા આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરાઈ છે:
-
માળખાકીય મજબૂતી: આંગણવાડીના મકાનોને સુરક્ષિત અને ટકાઉ બનાવવા પર ભાર.
-
સૌંદર્યીકરણ: આંગણવાડીના પરિસરને સ્વચ્છ અને આકર્ષક બનાવી બાળકો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણનું નિર્માણ.
-
શિક્ષણનો પાયો: પૂર્વ-પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારીને બાળકોના ભવિષ્યનો મજબૂત પાયો તૈયાર કરવો.
અત્યાર સુધીમાં ૧૬૪ કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. આ ઝુંબેશથી રાજકોટ જિલ્લાની આંગણવાડીઓ માત્ર પોષણ કેન્દ્ર જ નહીં, પરંતુ બાળકો માટે આધુનિક ‘સ્માર્ટ લર્નિંગ સેન્ટર’ તરીકે ઉભરી આવશે.

