જસદણમાં સ્વદેશી અભિયાનને વેગ, મંત્રી બાવળીયાએ ૭ ટ્રેક્ટરનું લોકાર્પણ કર્યું
ગુજરાત સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ ખાતે ‘સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬’નું રિબન કાપીને ઉમંગભેર ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જસદણ નગરપાલિકા માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ૦૭ નવા ટ્રેક્ટરોનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ આ મેળાની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓને નિહાળી હતી અને તેમના કૌશલ્યના વખાણ કર્યા હતા.
‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે સ્વદેશી અભિયાનને વેગ
મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં ‘સ્વદેશી અભિયાન’ અને ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર ગુંજી રહ્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ સ્થાનિક કલાકારો દ્વારા બનાવાયેલી વસ્તુઓ ખરીદે જેથી આપણા જ દેશના કારીગરોને આર્થિક પ્રોત્સાહન મળે. આ મેળામાં ખાસ કરીને ઓર્ગેનિક ખેતીની પેદાશો અને અન્ય હસ્તકલાની વસ્તુઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.
જસદણ નગરપાલિકા દ્વારા આયોજિત વિશેષ શોપિંગ ફેસ્ટિવલ
જસદણ નગરપાલિકા દ્વારા આટકોટ રોડ પર ફાયર સ્ટેશનની સામે તા. ૧૭ માર્ચ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે ૫૦ જેટલા સ્ટોલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે, જ્યાં વિવિધ સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે મેળામાં એક આકર્ષક સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સમિતિના ચેરમેનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

