વિશ્વ વિજય બાદ સંજુ સેમસન કેપ્ટન પદનો પ્રબળ દાવેદાર: શું સૂર્યકુમાર યાદવની જગ્યા લેશે ‘સેન્ટ ઓફ એટેન્શન’ સેમસન?
T20 વર્લ્ડ કપ 2026માં ભારતની ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય ક્રિકેટમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સતત ત્રણ અડધી સદી ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવનાર સંજુ સેમસન હવે માત્ર એક ઓપનર તરીકે જ નહીં, પણ ટીમના આગામી T20 કેપ્ટન તરીકે પણ ઉભરી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ ભલે ભારતનો ચોથો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન બન્યો હોય, પરંતુ તેની વધતી ઉંમર અને ફોર્મને જોતા ભવિષ્યના કેપ્ટન તરીકે સંજુનું નામ મોખરે છે.
શા માટે સંજુ સેમસન જ કેપ્ટન તરીકે યોગ્ય?
ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનું માનવું છે કે 31 વર્ષીય સંજુ સેમસન સૂર્યાની જગ્યા લેવા માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે. કૈફના મતે, કેપ્ટન એવો હોવો જોઈએ જેણે દુનિયા જોઈ હોય અને ઉતાર-ચઢાવ સમજ્યા હોય.
કૈફે એક વીડિયોમાં જણાવ્યું હતું કે,
“કેપ્ટન પાસે અનુભવ હોવો જરૂરી છે. બોલિંગમાં ફેરફાર કરવા, પરફેક્ટ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવી અને આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓને સાથ આપવો – આ બધું સંજુ સારી રીતે સમજે છે. તેણે IPLમાં રાજસ્થાન રોયલ્સને 2022માં ફાઈનલ સુધી પહોંચાડ્યું હતું. જો સૂર્યા પદ છોડવાનો નિર્ણય કરે છે, તો સંજુ તે જગ્યા ભરી શકે છે.”
સૂર્યકુમાર યાદવ સામેના પડકારો
સૂર્યકુમાર યાદવ અત્યારે 35 વર્ષનો છે. જોકે તેનું લક્ષ્ય 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે, પરંતુ ત્યાં સુધીમાં તે 37 વર્ષનો થઈ જશે. 2028નો T20 વર્લ્ડ કપ પણ ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે. આવી સ્થિતિમાં ભારત અત્યારથી જ નવા કેપ્ટન તૈયાર કરવા પર ધ્યાન આપી શકે છે.
સૂર્યા માટે સૌથી મોટો પડકાર તેનું ફોર્મ છે. 2025માં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો, જેના કારણે તેની ટીમમાં જગ્યા પર પણ સવાલ ઉઠ્યા હતા. વર્લ્ડ કપ ફાઈનલમાં પણ તે શૂન્ય રને આઉટ થયો હતો. જ્યાં સુધી સૂર્યા રન બનાવતો રહેશે ત્યાં સુધી ટીમમાં તેની જગ્યા સુરક્ષિત છે, પરંતુ કેપ્ટન તરીકે લાંબો સમય ટકી રહેવું તેના માટે મુશ્કેલ બની શકે છે.
ગિલ અને હાર્દિક રેસમાંથી બહાર?
BCCIના સક્સેસન પ્લાન મુજબ, એક સમયે શુભમન ગિલ કેપ્ટન તરીકે પ્રથમ પસંદગી હતો, પરંતુ T20 ફોર્મેટમાં તેના નબળા ફોર્મે પસંદગીકારોને અન્ય વિકલ્પો વિચારવા મજબૂર કર્યા છે. હાર્દિક પંડ્યાને પણ પસંદગી સમિતિએ કેપ્ટન પદેથી હટાવી દીધો છે. બીજી તરફ, સંજુ સેમસને આ વર્લ્ડ કપમાં 5 મેચમાં 299 રન બનાવીને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો ખિતાબ જીત્યો છે, જે તેને અન્ય દાવેદારો કરતા ઘણો આગળ રાખે છે.
CSK સાથેની નવી શરૂઆત અને ભવિષ્ય
આગામી 20 દિવસમાં સંજુ સેમસન એક નવી ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) – માટે રમતો જોવા મળશે. જો IPL 2026માં પણ તેનું ફોર્મ આવું જ રહ્યું, તો તે ભારતીય કેપ્ટન પદ માટેનો દાવો વધુ મજબૂત બનાવશે. 2028ના બે મોટા ઈવેન્ટ્સ માટે સંજુને અત્યારથી જ તૈયાર કરવા માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

