કાળી ચૌદશે શક્તિ ઉપાસના અને મંત્રજપના અદ્ભુત ફળ
સનાતન ધર્મમાં દીપોત્સવના મહાપર્વ સાથે જોડાયેલી કાળી ચૌદશનું પર્વ શક્તિની આરાધના, ભયનિવારણ અને રક્ષણની પ્રાર્થના માટે અત્યંત વિશેષ મહત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કાળી ચૌદશની આ રાત્રિ જગતજનની મહાકાળી, કાળભૈરવ, બટુકભૈરવ, સંકટમોચન હનુમાનજી તથા દશ મહાવિદ્યાઓની ઉપાસના માટે સર્વોત્તમ ફળદાયી ગણવામાં આવે છે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, કાળી ચૌદશ એ માત્ર કોઈ જટિલ કે ઉગ્ર તંત્ર-સાધનાનો દિવસ નથી, પરંતુ સામાન્ય ગૃહસ્થ વ્યક્તિ પણ શુદ્ધ અને સાત્ત્વિક ભાવથી ઉપાસના કરીને પોતાના જીવનમાં સુખ, શાંતિ, અડગ આત્મબળ અને રક્ષણ મેળવી શકે છે.
આગામી ૭ નવેમ્બર ૨૦૨૬, શનિવારના રોજ આવતી કાળી ચૌદશ નિમિત્તે પૂજા-અર્ચના અને મંત્રજપ કરવા માટે દિવસ દરમિયાન અનેક શુભ મુહૂર્તો ઉપલબ્ધ છે. જેમાં સવારે ૦૮:૧૩ થી ૦૯:૩૬ સુધી ‘શુભ’ ચોઘડિયું રહેશે. આ ઉપરાંત બપોરે ૧૨:૨૪ થી ૦૧:૪૭ ‘ચલ’, ૦૧:૪૭ થી ૦૩:૧૦ ‘લાભ’ તથા ૦૩:૧૦ થી ૦૪:૩૪ સુધી ‘અમૃત’નું સર્વોત્તમ મુહૂર્ત રહેશે. સાંજ અને રાત્રિના સમયે પણ ૦૫:૫૭ થી ૦૭:૩૪ (‘લાભ’), ૦૯:૧૦ થી ૧૦:૪૭ (‘શુભ’) અને ૧૦:૪૭ થી ૧૨:૨૩ (‘અમૃત’) સુધીના શુભ સમયમાં સાધના કરી શકાશે.
૧. મહાકાળી મંત્રસાધના: શત્રુભય અને સંકટ નિવારણ માટે
માતા મહાકાળીનું સ્વરૂપ ભલે પ્રચંડ અને ઉગ્ર લાગે, પરંતુ પોતાના ભક્તો માટે તેઓ હંમેશા કરુણામયી અને રક્ષણકર્ત્રી માતા છે. જીવનમાં અજ્ઞાત ભય દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે આ પ્રયોગ શ્રેષ્ઠ છે.
મંત્ર: ૐ ક્રીં કાલિકાયૈ નમઃ॥
વિધિ: કાળી ચૌદશની રાત્રે માતાના ચિત્ર સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી લાલ પુષ્પ અને કંકુ અર્પણ કરવું. શક્તિ અનુસાર ૩, ૬ અથવા ૯ માળા મંત્રજપ કરવો.
૨. સર્વમંગલ અને રક્ષણ માટે પ્રાચીન સ્તુતિમંત્ર
દેવીમાહાત્મ્યમાં વર્ણવાયેલો આ મંત્ર દેવીના કલ્યાણકારી સ્વરૂપોને નમન કરે છે.
મંત્ર: જયન્તી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની। દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોઽસ્તુ તે॥
વિધિ: પૂજા બાદ આ મંત્રની ૩ માળા કરીને પરિવારની સુખાકારી અને રક્ષણનો સંકલ્પ લેવો.

૩. હનુમાન મંત્રપ્રયોગ: વિઘ્ન અને સંકટના નાશ માટે
સંકટમોચન હનુમાનજી નિર્ભયતા અને બળના પ્રતિક છે.
મંત્ર: ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટ્ સ્વાહા॥
વિધિ: લાલ વસ્ત્ર ધારણ કરી હનુમાનજી સમક્ષ દીવો કરી સિંદૂર, ચમેલીનું તેલ અને ગોળ-ચણાનો પ્રસાદ ધરી ૭ માળા જપવી.
૪. હનુમાન ચાલીસાનો વિશેષ પાઠ
માનસિક તણાવ, કાનૂની મુશ્કેલીઓ કે શત્રુપીડાના નિવારણ માટે આ પાઠ રામબાણ સમાન છે.
વિધિ: દીવો પ્રગટાવી સમસ્યાના નિવારણ અર્થે હનુમાન ચાલીસાનો ૯ વખત શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો.
૫. ભૈરવ ઉપાસના: નકારાત્મક શક્તિઓથી રક્ષણ
ભગવાન કાળભૈરવ અદૃશ્ય ભય અને નકારાત્મકતાનો નાશ કરે છે.
મંત્ર: ૐ કાલભૈરવાય નમઃ॥
વિધિ: રાત્રે ભૈરવજીના ફોટા સમક્ષ દીવો પ્રગટાવી ભયમુક્તિના સંકલ્પ સાથે ૩ માળા જપ કરવી.

૬. દુર્ગા રક્ષામંત્ર: પારિવારિક સુખ-શાંતિ માટે
મંત્ર: ૐ દુમ્ દુર્ગાયૈ નમઃ॥
વિધિ: માતા દુર્ગા સમક્ષ દીવો અને લાલ પુષ્પ અર્પણ કરી ૧૦૮ વાર મંત્રજપ કરવો.
૭. હનુમાન યંત્રપૂજા અને બજરંગ બાણ
મંત્ર: ૐ હં હનુમતે નમઃ॥
વિધિ: પવિત્ર હનુમાન યંત્રની સ્થાપના કરી પૂજા બાદ ૧૦૮ વાર મંત્ર જપી બજરંગ બાણનો પાઠ કરવો.
સાધના કરતી વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતો
જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર કોઈપણ મંત્રપ્રયોગમાં શ્રદ્ધા, પવિત્રતા અને સાત્ત્વિક ભાવ સૌથી મહત્વપૂર્ણ છે. સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ પૂજા કરવી. આ તમામ પ્રયોગો સામાન્ય ગૃહસ્થો માટે સરળ ભક્તિભાવ યુક્ત છે; કોઈપણ પ્રકારની જટિલ તાંત્રિક સાધના ગુરુના માર્ગદર્શન વગર ન કરવી જોઈએ. કાળી ચૌદશનો મુખ્ય આધ્યાત્મિક સંદેશ મનમાં રહેલા ક્રોધ, અંધકાર અને નકારાત્મક વિચારોને દૂર કરીને જીવનમાં સકારાત્મકતા લાવવાનો છે.
