RCB અને KSCAને મળી લીલી ઝંડી: ચિન્નાસ્વામીમાં જ રમાશે સીઝનની પ્રથમ મેચ, SRH સામે થશે ટક્કર
IPL 2026 ના ઓપનિંગ મુકાબલાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો આખરે અંત આવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ને આઈપીએલ મેચોના આયોજન માટે કર્ણાટક સરકાર તરફથી અંતિમ મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ નક્કી થઈ ગયું છે કે 28 માર્ચના રોજ સીઝનની પ્રથમ મેચ બેંગલુરુના પ્રતિષ્ઠિત ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ રમાશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ની ટક્કર સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે થશે.
સ્પેશિયલ કમિટી અને સરકાર વચ્ચે યોજાઈ મહત્વની બેઠક
કર્ણાટક સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, ગૃહમંત્રી ડૉ. જી. પરમેશ્વરની અધ્યક્ષતામાં વિધાન સૌધ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પેશિયલ કમિટી, KSCA અને RCB ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કમિટીએ સ્ટેડિયમમાં કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓનો વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો હતો. સમીક્ષા બાદ ગૃહમંત્રીએ સ્ટેડિયમમાં IPL મેચો યોજવા માટે સત્તાવાર રીતે પરવાનગી આપી દીધી છે.
સુરક્ષાના કારણોસર અટવાઈ હતી મંજૂરી
ઉલ્લેખનીય છે કે, IPL 2025 માં RCB ના વિજય બાદ યોજાયેલી વિક્ટરી પરેડ દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ જસ્ટિસ ડી’કુન્હા કમિટીએ સ્ટેડિયમની સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે કડક સૂચનો આપ્યા હતા. કર્ણાટક સરકારે KSCA ને તમામ સુધારા કરવા માટે 15 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. એસોસિએશને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરતા હવે મેચો માટે માર્ગ મોકળો થયો છે.
ચિન્નાસ્વામીમાં રમાશે હાઈ-વોલ્ટેજ RCB vs CSK મેચ
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રાથમિક શેડ્યૂલ મુજબ, ચિન્નાસ્વામી સ્ટેડિયમ માત્ર ઓપનિંગ મેચ જ નહીં, પરંતુ 5 એપ્રિલના રોજ રમાનારી RCB વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેગા મેચની પણ યજમાની કરશે.
- IPL 2026 માં RCB પોતાની 5 હોમ મેચ બેંગલુરુમાં રમશે.
- ટીમની બાકીની બે હોમ મેચો રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે.
- પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હોવાથી, ટૂંક સમયમાં બાકીની મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવશે.
It’s official. Things are about to unfold, and it’s only going to get 𝗕𝗢𝗟𝗗. 🔥
A curtain raiser that’s about to raise the temperatures. 😮💨
Note: Chinnaswamy Stadium has received the required permissions to host the 5 RCB Home Matches. 🙏✨#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 pic.twitter.com/q2ND1joEgs
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 16, 2026
રજત પાટીદારના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે RCB
ગયા વર્ષે એટલે કે IPL 2025 ના ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવીને RCB એ 18 વર્ષની લાંબી રાહ બાદ પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો. આ ઐતિહાસિક વિજયના હીરો અને કેપ્ટન રજત પાટીદાર જ આ સીઝનમાં પણ ટીમની કમાન સંભાળશે. પોતાની ચેમ્પિયન ટ્રોફીને ડિફેન્ડ કરવાના ઈરાદે RCB સીઝનની શરૂઆત ઘરઆંગણે જીત સાથે કરવા ઈચ્છશે.
